ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર પર ચર્ચા અંતિમ તબક્કામાં

નવી દિલ્હી : અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર પર ચર્ચા શરુ કરવામાં આવી છે. જેની માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ 27 થી 28 ઓક્ટોબર સુધી બ્રસેલ્સમાં બેઠકમાં હાજરી આપશે. ભારતીય વાણિજ્ય મંત્રાલયે આ અંગે રવિવારે જાહેરાત કરી હતી. આ અંગે મંત્રાલયના જણાવ્યા અનુસાર ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ યુરોપિયન કમિશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ટ્રેડ કમિશનર મારોસ સેફકોવિક સાથે મુલાકાત કરશે. આ બેઠક વાટાઘાટોના અંતિમ તબક્કા માટે દિશા અને વ્યૂહરચના નક્કી કરવામાં મહત્વપૂર્ણ રહેશે.
યુરોપિયન યુનિયનની ટેરિફ ઘટાડાની માંગ
યુરોપિયન યુનિયન ઇચ્છે છે કે ભારત ઓટોમોબાઇલ્સ, તબીબી ઉપકરણો, દારૂ, વાઇન, માંસાહાર પરના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવે. જો આ કરાર થાય છે તો ભારતના નિકાસ ઉત્પાદનો, જેમ કે ફિનિશ્ડ ગાર્મેન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, સ્ટીલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને ઇલેક્ટ્રિકલ મશીનરી, આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે.
મુક્ત વેપાર વાટાઘાટો નિર્ણાયક તબક્કે
વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત યુરોપીયન યુનિયન મુક્ત વેપાર વાટાઘાટો નિર્ણાયક તબક્કે છે. જ્યાં બંને પક્ષો સંતુલિત, વ્યાપક અને પરસ્પર લાભદાયી કરાર સુધી પહોંચવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું આ મુલાકાત આ ચર્ચાઓને યોગ્ય દિશા આપશે.
કરાર પર અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરશે
આ મુલાકાત દરમિયાન પીયુષ ગોયલ સંબંધિત યુરોપિયન અધિકારીઓ સાથે બજાર એક્સેસ, નોન-ટેરિફ પગલાં અને નિયમનકારી સહયોગ જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ કરાર પર અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરશે અને એવા ક્ષેત્રોને ઓળખશે જ્યાં વધુ સંકલનની જરૂર છે.



