રાજસ્થાનમાં બળાત્કાર પીડિતા સાથે ભેદભાવ, શાળાએ બોર્ડની પરીક્ષા ના આપવા દીધી

અજમેર: રાજસ્થાન(Rajasthan)માંથી ફરી એક વાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજમેર(Ajmer)ની એક ખાનગી શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી સામૂહિક બળાત્કારની પીડિતા(Rape survivor) એ આરોપ લગાવ્યો છે કે તેની શાળાએ તેને બોર્ડની પરીક્ષામાં બેસવા દીધી ન હતી. વિદ્યાર્થીનીએ તેની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે શાળાના પદાધિકારીઓએ તેને કહ્યું હતું કે જો તે શાળામાં હાજર થશે તો વાતાવરણ બગડી શકે છે.
જોકે શાળાએ દાવો કર્યો છે કે વિદ્યાર્થીનીને એડમિટ કાર્ડ એટલા માટે આપવામાં આવ્યું ન હતું કારણ કે તેણે 4 મહિનાથી ક્લાસમાં હાજરી આપી ન હતી.
વિદ્યાર્થીનીએ અન્ય શાળાના શિક્ષકનો સંપર્ક કર્યા બાદ આ મામલો સામે આવ્યો હતો. શિક્ષકે પીડિતાને ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર પર ફોન કરવાની સલાહ આપી. અજમેરના બાળ કલ્યાણ આયોગ (CWC) એ કેસ દાખલ કર્યો છે અને તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
CWCના અધિકારીએ જણવ્યું કે અમે આ સમગ્ર ઘટના વિશે વિદ્યાર્થીની સાથે વાત કરી છે. તપાસ ચાલુ છે, ત્યારે અમારી પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે પીડિતા માર્ચમાં ચૂકી ગયેલી પરીક્ષા આપી શકે.
માહિતી મુજબ, ગયા વર્ષે ઓક્ટોબરમાં પીડિતાના કાકા અને અન્ય બે શખ્સોએ તેના બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ CWCના અધિકારીને જણાવ્યું કે શાળાએ એ સમયે તેને ઘરેથી અભ્યાસ કરવાનું સૂચન કર્યું હતું, શાળાએ એ સમયે કહ્યું હેતુ કે તેના શાળાએ આવવાથી “વાતાવરણ બગાડી શકે છે”. વિદ્યાર્થીની ઘરે બેસીને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી હતી.
બોર્ડની પરીક્ષા જાહેર થયા બાદ, જ્યારે વિદ્યાર્થીની એડમિટ કાર્ડ લેવા શાળાએ ગઈ ત્યારે શિક્ષકે તેને જણાવ્યું કે તે હવે સ્કૂલની વિદ્યાર્થી નથી. શાળાએ બળાત્કાર પછી તરત જ તેના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે અન્ય વિદ્યાર્થીઓના માતાપિતાએ તેની હાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો.
CWCના અધિકારીને એક ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યું કે “જ્યારે મેં છોકરી સાથે વાત કરી, ત્યારે તેણે મને કહ્યું કે તે નિરાશ છે કારણ કે તે એક હોંશિયાર વિદ્યાર્થી છે. તેણે તેના ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 79% માર્ક્સ મેળવ્યા હતા. જો છોકરી 12મા બોર્ડમાં પરીક્ષા આપી હોત તો તે સારા માર્ક્સ મેળવી શકી હોત, પરંતુ શાળાની બેદરકારીને કારણે તેનું એક વર્ષ બગડી જશે.”