ઉત્તરાખંડના ધરાલીમાં તબાહી, ઈસરોની તસવીરો જોઈ લો પગ નીચેથી જમીન ખસી જશે

ઉત્તરકાશી : ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ છે. જેની સેટેલાઈટ તસવીરો ઈસરોએ શેર કરી છે. આ તસવીરો એ સ્પષ્ટ કરે છે આ તબાહી કેટલી ભયાનક હતી. જેમાં ચારે તરફ કીચડ પથરાયેલો છે. સમગ્ર વિસ્તારમાં પાણી અને કીચડ સિવાય કશું દેખાતું નથી. જયારે એનડીઆરએફ, એસઆરડીએફ અને સેનાના જવાનો રાહત અને બચાવ કાર્યમાં જોતરાયા છે.
ઈસરોએ કાર્ટોસેટ- 2એસ ડેટાનો ઉપયોગ કર્યો
આ અંગે ઈસરો/એનઆરસીએસે જાહેર કરેલી તસવીરોમાં પ્રથમ તસવીર 16 જુન 2024ની છે. જયારે બીજી તસવીર દુર્ઘટના બાદ 7 ઓગસ્ટના રોજની છે. ઉત્તરાખંડના ધરાલી અને હર્ષિલ વિસ્તારમાં પાંચ ઓગસ્ટના રોજ આવેલા વિનાશકારી પુરનું આકલન કરવા માટે કાર્ટોસેટ- 2એસ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હાઈ રીઝોલ્યુશન તસવીરમાં ડૂબેલી ઈમારતો, 20 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો કીચડ જોવા મળે છે. તેમજ મહત્વનું એ છે કે નદીના વહેણ પણ બદલાયેલા જોવા મળે છે. જે બચાવ દળ માટે ઉપયોગી સાબિત થશે.
સેંકડો લોકોને હેલિકોપ્ટરથી કર્યાં રેસ્ક્યૂ, હજુ અનેક લોકો ગુમ
ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધરાલી અને હર્ષિલની આ સેટેલાઈટ તસવીરો ભયાનક તબાહી દર્શાવે છે. જયારે બીજી તરફ આમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થાનોએ લઈ જવા માટે રેસ્ક્યુ ટીમો કાર્યરત છે. તેમજ હેલીકોપ્ટરના માધ્યમથી લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહ્યા છે. ઉત્તર કાશીમાં હાલ સેના અને એરફોર્સના જવાનો પણ આ રેસ્ક્યુમાં જોડાયા છે. જેમા ચિનૂક અને MI 17 હેલિકોપ્ટરથી લોકોને ઉત્તરકાશીમાં લાવવામાં આવી રહ્યા છે.