શિમલા/હોશિયારપુરઃ ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનથી લઈને નદી-નાળામાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. પંજાબમાં એક કાર પૂરમા તણાતા મોટી જાનહાનિ થઈ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગોને સલામતી ખાતર બંધ કરવામાં આવ્યા છે.
પંજાબના હોશિયારપુરથી લગભગ 34 કિમી દૂર જૈજો ખાતે નદીના પૂરમાં એક કાર તણાઇ જતાં હિમાચલ પ્રદેશના એક જ પરિવારના સાત સભ્ય સહિત નવ લોકોનાં મોત થયા છે. પંજાબ અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીની જળસપાટીમાં વધારો થયો છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશના એક પરિવારના 10 સભ્યો ડ્રાઈવર સાથે એક એસયૂવી કારમાં હિમાચલ પ્રદેશના મહેતપુર નજીકના દેહરાથી પંજાબના એસબીએસ નગરના મેહરોવાલમાં લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે બનાવ બન્યો હતો.
આ પણ વાંચો : મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં એરક્રાફ્ટ ક્રેશ; બે પાયલટ ઇજાગ્રસ્ત
કાર મેહરોવાલ પાસે વહેતી નદીમાં તણાઇ ગઇ હતી. કેટલાક સ્થાનિક લોકોએ કોઈક રીતે વાહનમાં સવાર એક વ્યક્તિને બચાવ્યો અને તેને જૈજોની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક જાગીર સિંહે જણાવ્યું કે નદીમાંથી બે મહિલાઓ સહિત સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે હજુ ત્રણ ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે.
દરમિયાન હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરની ઘટનાઓને લીધે રાજ્યમાં ૨૮૦થી વધુ રસ્તાઓ બંધ થઇ ગયા છે, જેમાંથી ૧૫૦ રસ્તા શનિવારે બંધ થયા હતા. ઉનામાં ઉભરાતી નદીઓનું પાણી અનેક ઘરોમાં ઘૂલ્યું છે. જ્યારે લાહૌલ અને સ્પીતિ પોલીસે રહેવાસીઓ અને પ્રવાસીઓને વધુ પડતી કાળજી રાખવા અને જહાલમાન નાલાને પાર ન કરવાની સલાહ આપી છે. કારણ કે તેનું જળ સ્તર ઝડપથી વધી રહ્યું છે.
કુલ્લુ, મંડી અને શિમલા જિલ્લામાં ૩૧ જુલાઇના રોજ આવેલા પૂર બાદ ગુમ થયેલા લગભગ ૩૦ લોકોની શોધખોળ માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ કોઇ મોટી સફળતા મળી નથી. અત્યાર સુધીમાં ૨૮ મૃતદેહ મળ્યા છે.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. રાજ્યને ૨૭ જૂન અને ૯ ઓગસ્ટ વચ્ચે લગભગ ૮૪૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ૨૮૮ રસ્તાઓમાંથી ૧૩૮ શુક્રવારે અને ૧૫૦ શનિવારે બંધ હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર મંડીમાં ૯૬, શિમલામાં ૭૬, કુલ્લુમાં ૩૭, સિરમૌરમાં ૩૩, ચંબામાં ૨૬, લાહૌલ અને સ્પીતિમાં ૭, હમીરપુરમાં ૫ અને કાંગડા અને કિન્નોરમાં ૪-૪ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ પૂહ અને કૌરિક વચ્ચે અચાનક પૂર અને નેગુલસારીન નજીક નેશનલ હાઇવે ૫ પર ભૂસ્ખલનને પગલે કિન્નૌર જિલ્લો રાજ્યની રાજધાની શિમલાથી વિખૂટો પડી ગયો છે. રાજ્યમાં ૪૫૮ પાવર અને ૪૮ પાણી પુરવઠા યોજનાઓને પણ અસર થઇ છે.