તામિલનાડુમાં આવી આફતઃ અમુક જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર

ચેન્નઇઃ દેશના વાતાવરણમાં પલટો આવ્યો છે, જ્યાં ઉત્તર ભારતમાં ધીમે ધીમે વાતાવરણ ઠંડુગાર બની રહ્યું છે, જ્યારે બીજી બાજુ દક્ષિણ ભારતના અમુક રાજ્યમાં વાતાવરણ ડહોળાયું છે. મધ્ય ભારતમાં વરસાદ પડવાના એંધાણ વચ્ચે આજે તમિલનાડુના ઉત્તરીય પ્રદેશ સહિતના ભાગોમાં રાતોરાત ભારે વરસાદ પડવાથી સત્તાવાળાઓએ વિવિધ જિલ્લાઓમાં શાળાઓ માટે સોમવારે રજા જાહેર કરી હતી.
ચેન્નઇ અને પડોશી ચેંગલપટ્ટ અને કાંચીપુરમ ઉપરાંત વિલ્લુપુરમ, કલ્લાકુરિચી, કુડ્ડુલોર, નાગાપટ્ટિનમ અને તિરુવરુરમાં સારો વરસાદ પડ્યો હતો. ચેંગલપટ્ટ, રાનીપેટ, વેલ્લોર અને કલ્લાકુરિચી સહિતના જિલ્લાઓની શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી હતી. નાગાપટ્ટિનમ જિલ્લા વહીવટીતંત્રે નાગાપટ્ટિનમ અને કીલવેલુર સર્કલમાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે.
પ્રાદેશિક હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ ૭મી જુલાઇના રોજ સવારે ૮-૩૦ વાગ્યાથી સોમવારે સવારે ૫-૩૦ વાગ્યા દરમિયાન જિલ્લામાં સૌથી વધુ ૧૬૭ મીમી વરસાદ નોંધાયો હતો. કરાઇક્કલ(પુડુચેરી યુટી)માં આ સમયગાળા દરમિયાન ૧૨૨ મીમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોના લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા, એમ વહીવટી અધિકારીએ જણાવ્યું હતું.