સીધા કરવેરાની આવક ૧૯.૪૧ ટકા વધીને ₹ ૧૪.૭૦ લાખ કરોડ થઈ
નવી દિલ્હી: ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં સીધા કરવેરા (ઈન્કમ ટૅક્સ અને કોર્પોરેટ ટેક્સ)ની આવક ૧૯.૪૧ ટકા વધીને રૂ. ૧૪.૭૦ લાખ કરોડ થઈ હોવાનું આવકવેરા ખાતાએ ગુરુવારે કહ્યું હતું.
સરકારે ચાલુ નાણાંકીય વર્ષ માટે સીધા કરવેરાની આવકનો અંદાજ અગાઉના વર્ષના રૂ. ૧૬.૬૧ લાખ કરોડની સરખામણીએ ૯.૭૫ ટકા વધુ એટલે કે રૂ. ૧૮.૨૩ લાખ કરોડ રાખ્યો હતો.
આ આવક ચાલુ નાણાંકીય વર્ષ માટે અંદાજવામાં આવેલા રૂ. ૧૮.૨૩ લાખ કરોડના ૮૦.૬૧ ટકા જેટલી હોવાનું સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
પહેલી એપ્રિલ ૨૦૨૩થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન રૂ. ૨.૪૮ લાખ કરોડનું રિફંડ આપવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
ગયા વર્ષના ગ્રોસ કલેક્શનની સરખામણીએ આ વર્ષનું ગ્રોસ કલેક્શન ૧૬.૭૭ ટકા વધીને રૂ. ૧૭.૧૮ લાખ કરોડ થયું હોવાનું તેમણે કહ્યું હતું.
ગ્રોસ કોર્પોરેટ ઈન્કમ ટેક્સ (સીઆઈટી) અને પર્સનલ ઈન્કમ ટેક્સ (પીઆઈટી)ના વૃદ્ધિદર અનુક્રમે ૮.૩૨ ટકા અને ૨૬.૧૧ ટકા રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
રિફંડ ઍડજસ્ટમેન્ટ બાદ સીઆઈટી અને પીઆઈટી કલેક્શનનો નેટ વૃદ્ધિદર અનુક્રમે ૧૨.૩૭ ટકા અને ૨૭.૨૬ ટકા રહ્યો હોવાનું બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. (એજન્સી)