ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટ ફરી શરૂ થઇ શકે છે! નાગરિક ઉડ્ડયન પ્રધાને આપી માહિતી

નવી દિલ્હી: બોર્ડર પર સતત સંઘર્ષમાં રહેતા ભારત અને ચીન વચ્ચે રાજદ્વારીય સંબંધો પણ છેલ્લા ઘણા સમયથી સારા રહ્યા નથી, પરંતુ ભારત અને ચીન વચ્ચે વેપાર સતત વૃદ્ધિ કરી રહ્યો છે. એવામાં ભારત અને ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ (India-China Flight) ફરી શરુ કરવામાં આવી શકે છે. ગુરુવારે સિવિલ એવિએશન સેક્ટરમાં સહયોગને મજબૂત કરવા બંને દશોના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થઇ હતી.
એશિયા પેસિફિક સિવિલ એવિએશન કોન્ફરન્સ દરમિયાન ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુ, નાગરિક ઉડ્ડયન સચિવ વુમલુનમેંગ વુલનમ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચીનના પ્રતિનિધિઓને મળ્યા હતાં.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં રામમોહન નાયડુએ કહ્યું કે તેમણે ચીની પ્રતિનિધિમંડળ સાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે સૌજન્ય બેઠક કરી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે નાગરિક ઉડ્ડયન સહયોગને વધુ મજબૂત કરવા પર મંતવ્યોનું આદાન-પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, ખાસ કરીને બંને દેશો વચ્ચે પેસેન્જર ફ્લાઇટ્સ પુન: શરૂ કરવા અંગે વાત કરવામાં અવી હતી.
રામમોહન નાયડુએ પત્રકારોને જણાવ્યું હતું કે ચીની પક્ષે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિદેશ મંત્રાલય અને અન્ય હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
હાલમાં, ભારત અને ચીન વચ્ચે કોઈ સીધી ફ્લાઈટ નથી. કોરોનાવાયરસ પાનડેમિક દરમિયાન આ સેવાઓ બંધ કરવામાં આવી હતી. અગાઉ ઈન્ડિગો અને એર ઈન્ડિયા ચીન માટે ફ્લાઈટની સર્વિસ આપતી હતી.
કોવિડ-19 પાનડેમિકને કારણે ભારત અને ચીન વચ્ચે ડાયરેક્ટ પેસેન્જર ફ્લાઇટ કનેક્ટિવિટી સ્થગિત કરવામાં આવી હતી. 2020 માં પૂર્વી લદ્દાખમાં બંને દેશોના સૈન્ય વચ્ચે અથડામણ પછી દ્વિપક્ષીય સંબંધો બગડ્યા છે. ગ્લોબલ એર કનેક્ટિવિટી પહેલાની જેમ થઇ હોવા છતાં, ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ નથી.
Also Read –