કટ્ટર દુશ્મન સાથે ડિનર, શું મોદી-મુઇઝુની દોસ્તીનો નવો અધ્યાય લખાશે…!
નવી દિલ્હી: મોદી 3.0નો શપથ ગ્રહણ સમારોહ પૂરો થયા બાદ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રિત કરાયેલા પડોશી દેશોના નેતાઓએ રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારંભમાં હાજરી આપી હતી. ભોજન સમારંભ દરમિયાન ડિનર ટેબલ પર પડોશી રાષ્ટ્રના વડાઓ સાથે ગંભીર ચર્ચા કરતા દેખાયા હતા. શપથ ગ્રહણના પ્રસંગને બિરદાવવા બદલ તેમનો આભાર માનતા પીએમ મોદીએ તેમની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ અને ‘સાગર વિઝન’ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.
રવિવારે મોડી સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેની બાજુમાં બેઠા હતા. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ પીએમ મોદીની ડાબી બાજુએ બેઠા હતા અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેમની જમણી બાજુએ બેઠેલા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ મુઇઝુ સાથે ઉષ્માસભર રીતે વાતચીત કરી હતી.
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભ બાદ, રાષ્ટ્રપતિ મુઈઝુએ પણ ઈન્સ્ટાગ્રામ પર ભારતીય વડાપ્રધાન સાથેની તેમની મુલાકાતના કેટલાક ફોટા મુક્યા હતા.
આ પણ વાંચો : શપથ ગ્રહણ બાદ એક્શનમાં મોદી સરકાર, આ મોટા નિર્ણય આજે લઇ શકે છે
નોંધનીય છે કે મુઈઝુએ 17 નવેમ્બરે માલદિવના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યાના સાત મહિનાના અસામાન્ય સમયગાળા બાદ ભારતની મુલાકાત લીધી છે. સામાન્ય રીતે માલદિવના રાષ્ટ્રપતિ કાર્યભાર સંભાળ્યા બાદ પહેલા ભારતની મુલાકાત લે છે. પીએમ મોદીના છેલ્લા કાર્યકાળમાં માલદીવ સાથેના સંબંધોમાં મંદી આવી હતી.
મુઈઝુએ “આઉટ ઈન્ડિયા” સ્લોગન પર તેમનું ચૂંટણી અભિયાન ચલાવ્યું હતું અને ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ભારતને માલદિવમાં હાજર તેના સૈનિકો પરત બોલાવવા જણાવી દીધું હતું. માલદિવ સરકારના મંત્રીઓએ પણ ભારત અને પીએમ મોદી વિશે એલફેલ બોલવાનું શરૂ કરી દીધું હતું, જેને કારણે બે દેશ વચ્ચેના સંબંધોમાં ઓટ આવી ગઇ હતી.
મોદી 3.0 કાર્યકાળના ઐતિહાસિક અવસર માટે,ભારતે NDA સરકારની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ મુજબ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સહિત દક્ષિણ એશિયાના કેટલાક ટોચના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ અને સેશેલ્સના પ્રમુખ વેવેલ રામકલાવાન પણ ભવ્ય સમારોહનો ભાગ હતા.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે મોડી બપોર સુધીમાં કોલંબો માટે રવાના થવાની ધારણા છે, જ્યારે રાષ્ટ્રપતિ મુઇઝુ, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, નેપાળના વડા પ્રધાન પ્રચંડ, ભૂટાન શેરિંગ તોબગે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જગનાથ અને સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફિફ એસ. જયશંકર સાથે મુલાકાત કરશે.