સેક્સ એજ્યુકેશન પર નીતિશ કુમારના નિવેદનને સાંસદ ડિમ્પલ યાદવે સમર્થન આપ્યું
પટનાઃ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સાંસદ અને સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ ડિમ્પલ યાદવે પણ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના નિવેદનનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે સેક્સ એજ્યુકેશન પર ખુલીને ચર્ચા થવી જોઈએ.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવે મીડિયાના સવાલોના જવાબ આપતા કહ્યું કે નીતિશ કુમાર કહેવા માગતા હતા કે સામાન્ય રીતે લોકો સેક્સ એજ્યુકેશનના મામલે ખુલીને વાત કરતા નથી. તેમણે પોતાના વિચારો પોતાની રીતે વ્યક્ત કર્યા છે. હું એમ પણ કહું છું કે સેક્સ એજ્યુકેશન આપવું જોઈએ અને તેના પર ખુલીને ચર્ચા થવી જોઈએ. ગર્ભનિરોધકનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે ભારતમાં આપણી વસ્તી સતત વધી રહી છે.
આના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે પણ મુખ્ય પ્રધાન નીતિશ કુમારના નિવેદનનું સમર્થન કર્યું હતું. તેજસ્વી યાદવે નીતીશના નિવેદનનો બચાવ કરતા કહ્યું હતું કે મુખ્ય પ્રધાને તેમની વાત સેક્સ એજ્યુકેશનના સંદર્ભમાં કહી હતી.