
લખનઉં: લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની 16 લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સપા પ્રમુખ અને પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે તેમની પત્ની ડિમ્પલ યાદવને મૈનપુરી બેઠક પરથી ટિકિટ આપી છે. જો કે, આ જાહેરાત બાદ તરત જ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો. મૈનપુરીમાં સપા નેતા અને ઉદ્યોગપતિ મનોજ યાદવે પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. મનોજ સપા પ્રમુખ અખિલેશ યાદવના નજીકના માનવામાં આવતા હતા.
મનોજ યાદવ RCL ગ્રુપના ચેરમેન છે. તેમણે સપામાં પારિવારિક વિખવાદનો આરોપ લગાવ્યો હતો, સાથે સાથે તેમણે સ્થાનિક સ્તરના નેતાઓ પર એક બીજાના પગ ખેંચવાનો આરોપ લગાવ્યો છે. મૈનપુરી નગરના સ્ટેશન રોડના રહેવાસી મનોજ યાદવ બે દાયકાથી એસપી સાથે જોડાયેલા છે. તે મૂળ કરહાલ વિધાનસભા ક્ષેત્રના ગામ નાગલા રાજાનો રહેવાસી છે.
મુલાયમ સિંહ યાદવના અવસાન બાદ યોજાયેલી લોકસભા પેટાચૂંટણીમાં ડિમ્પલ યાદવને જીતાડવામાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. પરંતુ હવે તેમણે સપામાંથી રાજીનામું આપી દીધું છે. મનોજ યાદવે કહ્યું, સપા હવે જનતા માટે કામ કરવા સક્ષમ નથી. ભાજપ સરકારમાં કોઈપણ પક્ષપાત વગર કામ થઈ રહ્યું છે. મારી કંપનીમાં પણ કરોડો રૂપિયાના કામો છે. જો કે મનોજ યાદવે એ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ ભાજપમાં જોડાશે કે નહીં. મનોજ સપા છોડવાના કારણે મૈનપુરી જિલ્લામાં પાર્ટીને ઝટકો લાગ્યો છે. સપાના નેતાઓ આ મામલે કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.
મનોજ યાદવ અગાઉ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. ત્યાર બાદ તેઓ અખિલેશ યાદવનની ઓળખમાં આવ્યા અને સપામાં જોડાયા. તેઓ પડદા પાછળથી સપાને મદદ કરી રહ્યા હતા. તેઓ અખિલેશ યાદવની ખૂબ નજીક માનવામાં આવે છે. આ સાથે તેઓ પૂર્વ સાંસદ તેજ પ્રતાપ યાદવના પણ ખૂબ નજીક રહ્યા છે.