
નવી દિલ્હી: ઈન્ટરનેટની ક્રાંતિ સાથે OTT પ્લેટફોર્મ્સનું ચલણ વધી રહ્યું છે તો બીજી તરફ લોકોમાં ટીવી જોવાનું ચલણ સતત ઘટી રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા એક અહેવાલ મુજબ વર્ષ 2024માં ડિજિટલ મીડિયા આવકની દ્રષ્ટિએ ટેલિવિઝનને પાછળ છોડી દેશે એવો બિઝનેસ ચેમ્બર FICCIના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ વર્ષ 2024માં ડિજિટલ મીડિયાની આવક વધીને 751 અબજ રૂપિયા થઈ શકે છે, જ્યારે ટેલિવિઝનની આવક 718 અબજ રૂપિયાની આસપાસ રહેવાનો અંદાજ છે.
રિપોર્ટ અનુસાર, વર્ષ 2023માં દેશના મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી છે, 8.1 ટકા (રૂ. 173 અબજ)ની વૃદ્ધિ સાથે રેવન્યુ રૂ. 2.32 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે 2024માં આ રેકોર્ડ તૂટી જશે. આ વર્ષે 10 ટકાના વૃદ્ધિ દર સાથે કુલ આવક 2.55 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.
આ રિપોર્ટ અનુસાર વર્ષ 2023 અને 2026 ની વચ્ચે, ટેલિવિઝનની આવકમાં 3.2 ટકાનો વધારો થશે, જ્યારે ડિજિટલ મીડિયાની આવકમાં વૃદ્ધિ 10 ટકાથી વધુ રહી શકે છે. ઉપલબ્ધ અહેવાલ મુજબ 13.5 ટકાના વૃદ્ધિ દર વૃદ્ધિની અપેક્ષા છે. 2026 સુધીમાં મીડિયા અને મનોરંજન ક્ષેત્રની આવક રૂ. 3.08 લાખ કરોડને વટાવી જશે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના પહેલાના સમય કરતા આ સેક્ટરે 21 ટકાની વૃદ્ધિ દર્શાવી છે પરંતુ ટેલિવિઝન, પ્રિન્ટ અને રેડિયો 2019ના સ્તરથી પાછળ છે.
રિપોર્ટ અનુસાર, તમામ સેગમેન્ટમાં ટેલિવિઝનના વિકાસ દરમાં 2022ની સરખામણીમાં 2023માં 2 ટકાની નકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે. ગેમિંગ અને D2C બ્રાન્ડ્સે જાહેરાત ખર્ચમાં ઘટાડો કર્યો હોવાથી ટેલિવિઝન જાહેરાતોમાં 6.5 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ડિજિટલ એડવર્ટાઇઝિંગમાં 15 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ડિજિટલ સબસ્ક્રિપ્શનની આવકમાં 9 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે 78 અબજ રૂપિયા સુધી પહોંચી ગયો છે.