મતદાન પહેલા મોત આવી ગયુંઃ રાજસ્થાનમાં દુઃખદ ઘટના

ભીલવાડાઃ દેશભરમાં આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. દેશના 13 રાજ્યોની 89 બેઠક પર મતદાન થઈ રહ્યું છે ત્યારે ગરમીએ પણ જોર પકડ્યું છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે છે અને ખાસ કરીને બપોરના સમયે ગરમી ખૂબ જ વરતાય છે. મતદાન માટે ઊભા રહેતા લોકો અને મતદાન કરાવતા ચૂંટણી પંચ માટે આ એક મોટો પડકાર છે. આ ગરમી કે અન્ય કારણને લીધે એક મતદારનો જીવ ગયો છે.
મળતી માહિતી મુજબ, આ મામલો ભીલવાડા શહેરના પૂર્વ વિસ્તારનો છે. 80 વર્ષીય છગનલાલ ભીલવાડા શહેરના પુર ઉપનગર સ્થિત બૂથ પર પોતાનો મત આપવા માટે કતારમાં ઉભા હતા. તે દરમિયાન અચાનક તેની તબિયત બગડી અને તે નીચે પડી ગયા. લોકો ભેગા થયા અને તેમને ઉઠાડવાની કોશિશ કરી, પરંતુ તેમનું મોત થઈ ચૂક્યું હતું. બૂથમાં જ છગનલાલનું અવસાન થયું. તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા અને તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
દરમિયાન અન્ય એક કિસ્સામાં ચિત્તોડગઢ જિલ્લાના નિમ્બહેરા વિધાનસભા મતવિસ્તારના કદમાલી ગામમાં બૂથ નંબર 168 પર મતદાન કરવા આવેલી એક વિકલાંગ વૃદ્ધ મહિલાને એક પોલીસકર્મી તેડીને મતદાન કરવા માટે લઈ ગયો હતો.
આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્યામ સિંહે વિકલાંગ વૃદ્ધ મહિલાને તેડી લીધી હતી અને મતદાન કરાવ્યું. ત્યાર પછી તેને ફરી બહાર લાવવામાં આવ્યો અને વ્હીલ ચેર પર બેસાડ્યા હતા.