
ગઇકાલે ધામધૂમપૂર્વક રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થયો. રામલલ્લાની ભવ્ય મૂર્તિના દર્શન કરીને સૌકોઇએ ધન્યતા અનુભવી. દેશમાં વસેલા કે વિદેશમાં, દરેક ભારતીય માટે આ એક અવિસ્મરણીય પ્રસંગ હતો. હવે રામલલ્લાની મૂર્તિના રૂબરૂ દર્શન કરવાની દરેક શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્કંઠા છે, ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક બાળકની જેમ પ્રભુ શ્રીરામ આંખો પટપટાવતા સામું જોઇ રહ્યા છે, અને ધીમે ધીમે સ્મિત કરી રહ્યા છે. જાણે તેઓ આંખોથી જ ભક્તોને આશીર્વાદ આપતા હોય. આમ તો આ AI ટેકનોલોજીની કમાલ છે, છતાં વીડિયો જોઇને મૂર્તિમાં એક અલગ જ પ્રકારની બાળસહજ મુગ્ધતા અનુભવાય છે.
વીડિયો બનાવવામાં AIની કમાલનો એ રીતે વપરાશ થયો છે જેને જોઇને કોઇને પણ એમ થાય કે હમણાં જ પ્રભુ શ્રીરામ દર્શન કરી રહેલા ભક્તને પોતાની પાસે બોલાવશે અને તેની સાથે વાત કરવા લાગશે. બાળ સ્વરૂપની મૂર્તિમાં ખરેખર બાળક જેવી નિર્દોષતા મહેસૂસ થઇ રહી છે.
X પર જેણે પણ આ વીડિયો જોયો તે તમામ લોકો ભાવુક થઇ ગયા. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે વીડિયો જોઇને અલગ અલગ પ્રતિભાવો આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે “વીડિયો જોઇને હૃદય એક ધબકારો ચુકી ગયું.” અન્ય એક યુઝરે કહ્યું, “રામ લલ્લા આ વીડિયોમાં ખૂબ જ નિર્દોષ અને ભવ્ય લાગી રહ્યા છે.” “ઓરિજીનલ મૂર્તિ કરતા પણ આ વીડિયો જોઇને વધારે ભાવુક થઇ જવાયું.” તેવું પણ એક યુઝરે કહ્યું.