નેશનલ

શું નેહરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા? કોંગ્રેસે આપ્યો સરદારના દીકરીની ‘ડાયરી’નો પુરાવો

મુર્શિદાબાદ/નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં શનિવારે સસ્પેન્ડ થયેલા ટીએમસી ધારાસભ્ય હુમાયૂં કબીરે ‘બાબરી મસ્જિદ’નો શિલાન્યાસ કર્યો હતો. આ શિલાન્યાસ અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસની વરસીના દિવસે જ કરવામાં આવ્યો છે. આ ઘટના સાથે જ રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે, જ્યાં કૉંગ્રેસે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ દ્વારા પંડિત જવાહરલાલ નેહરુ વિશે કરવામાં આવેલી ટિપ્પણી બદલ માફીની માંગ કરી છે. કૉંગ્રેસે દાવો કર્યો છે કે રાજનાથસિંહે જૂઠ્ઠું બોલ્યું હતું કે પંડિત નેહરુ સરકારી નાણાંથી બાબરી મસ્જિદનું નિર્માણ કરાવવા માંગતા હતા.

કૉંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધો સુધારવાના ઇરાદે પંડિત નેહરુ વિશે ખોટી વાતો ફેલાવી રહ્યા છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી તેમની દીકરી મણીબેન પટેલની ડાયરીના કેટલાક પાના ‘X’ પર શેર કર્યા હતા.

રમેશે કહ્યું કે, “મૂળ ડાયરીની નોંધ અને રાજનાથ સિંહજી તથા તેમના સાથીઓ જે પ્રચાર કરી રહ્યા છે, તેમાં મોટો તફાવત છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે PM મોદી સાથે પોતાના સંબંધો સુધારવા માટે રક્ષામંત્રીએ ‘ફેલાવેલા જૂઠ’ બદલ માફી માંગવી જોઈએ.


નોંધનીય છે કે રાજનાથ સિંહે ગત મંગળવારે ગુજરાતના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે જવાહરલાલ નેહરુ સરકારી ધનથી ‘બાબરી મસ્જિદ’ બનાવવાની ઈચ્છા રાખતા હતા, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે તેમની યોજના સફળ થવા દીધી નહોતી.

સિંહે એવો પણ દાવો કર્યો હતો કે નેહરુએ સૂચન કર્યું હતું કે પટેલના અવસાન પછી તેમના સ્મારક માટે સામાન્ય લોકો દ્વારા એકત્ર કરાયેલા ધનનો ઉપયોગ કૂવાઓ અને રસ્તાઓના નિર્માણ માટે થવો જોઈએ. સરદાર પટેલની 150મી જયંતી નિમિત્તે વડોદરા નજીક સાધલી ગામમાં આયોજિત ‘એકતા માર્ચ’માં સંબોધન કરતાં સિંહે પટેલને એક સાચા ઉદારવાદી અને ધર્મનિરપેક્ષ વ્યક્તિ ગણાવ્યા હતા, જે ક્યારેય તુષ્ટિકરણમાં માનતા નહોતા.

આ પણ વાંચો…બંગાળમાં બાબરી મસ્જિદ મોડલ પર મસ્જિદનો શિલાન્યાસ, ભાજપે કર્યા આક્રમક પ્રહાર…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button