Youtuber Dhruv Rathee ની મુશ્કેલી વધી, માનહાનિના કેસમાં દિલ્હીની કોર્ટે સમન્સ પાઠવ્યું
નવી દિલ્હી : દિલ્હીની કોર્ટે યુટ્યુબર ધ્રુવ રાઠીને (Dhruv Rathee)સમન્સ પાઠવ્યું છે. ભાજપ નેતા સુરેશ નખુઆ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં રાઠીને હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. નખુઆનો આરોપ છે કે ધ્રુવ રાઠીએ તેને હિંસક અને અપમાનજનક ટ્રોલ કહીને તેમનું અપમાન કર્યું હતું.
આગામી સુનાવણી 6 ઓગસ્ટે થશે
મીડિયા અહેવાલ મુજબ સાકેત કોર્ટમાં જિલ્લા ન્યાયાધીશ ગુંજન ગુપ્તાએ 19 જુલાઈએ રાઠીના નામે સમન્સ પાઠવ્યું હતું. આ કેસની આગામી સુનાવણી 6 ઓગસ્ટે થશે. કોર્ટે રાઠીને સ્પીડ પોસ્ટ, કુરિયર તેમજ ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા સમન્સ મોકલવા કહ્યું છે. નખુઆ વતી એડવોકેટ રાઘવ અવસ્થી અને મુકેશ શર્મા હાજર રહ્યા હતા.
રાઠીના આ આરોપોને કારણે તેમને ઘણી નિંદાનો સામનો કરવો પડ્યો
મુંબઈ યુનિટના ભાજપ પ્રવક્તા નખુઆએ આરોપ લગાવ્યો કે રાઠીએ તેમને ‘હિંસક અને અપમાનજનક ટ્રોલ’ કહ્યા. તેમણે આરોપને ખોટો ગણાવ્યો અને કહ્યું કે આ તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે કરવામાં આવ્યું છે. નખુઆ વતી કોર્ટને કહેવામાં આવ્યું હતું કે ધ્રુવ રાઠીએ એક ભડકાઉ વીડિયોમાં તેમના વિશે પાયાવિહોણા આક્ષેપ કર્યા છે. હિંસક અને અપમાનજનક ટ્રોલિંગમાં સામેલ થવાનો આરોપ છે. નખુઆએ કહ્યું કે રાઠીના આ આરોપોને કારણે તેમને ઘણી નિંદાનો સામનો કરવો પડ્યો હતો.
યુટ્યુબ પર તેના 23 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ
ધ્રુવ રાઠી એક પ્રખ્યાત યુટ્યુબર છે જેના ઘણા વીડિયો વાયરલ થાય છે. ધ્રુવ રાઠી હાલના દિવસોમાં ઘણી વખત વિવાદોમાં રહ્યો છે. કેટલાક લોકો તેમના પર એકતરફી વીડિયો બનાવવાનો આરોપ લગાવે છે. જ્યારે કેટલાક લોકો તેમને સરકાર વિરુદ્ધ ખુલ્લેઆમ વક્તા ગણાવીને તેમનું સમર્થન પણ કરે છે. યુટ્યુબ પર તેના 23 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. તે X પર પણ ખૂબ જ લોકપ્રિય છે.