કચ્છના ધોરડોએ જીત્યો બેસ્ટ ટુરિઝમ વિલેજનો ખિતાબ
વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે વિશ્વભરમાંથી બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ આપવામાં આવે છે. આ વખતે વર્ષ 2023 માટે કચ્છના ધોરડો ગામને આ સન્માન મળ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની ખ્યાતિમાં વધારો થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ મુકીને અભિનંદન પાઠવ્યા હતા, તેમણે કેપશનમાં લખ્યું હતું કે “આ સન્માન માત્ર ભારતીય પ્રવાસનની ક્ષમતા જ નહીં પરંતુ ખાસ કરીને કચ્છના લોકોનું સમર્પણ પણ દર્શાવે છે. ધોરડો સતત ચમકતું રહે અને વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષતું રહે!” આ સાથે જ તેમણે વર્ષ 2009 અને 2015માં લીધેલી ધોરડોની મુલાકાતની તસવીરો પણ પોસ્ટમાં શેર કરી હતી.
ધોરડો સહિત કુલ 54 ઉત્કૃષ્ટ પ્રવાસન સ્થળોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. G-20ની પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગૃપ મિટિંગનું આયોજન પણ ધોરડો ખાતે જ થયું હતું. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન એ સંયુક્ત રાષ્ટ્રોની એક સંસ્થા છે જે જવાબદાર, ટકાઉ અને સુલભ પ્રવાસન માટે કાર્ય કરે છે.
બેસ્ટ ટુરિઝમ વિલેજનું સન્માન એ ગામોને આપવામાં આવે છે જે ગ્રામ્ય વિસ્તારો વિકાસ, તેની સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાનપાનની પરંપરાઓની જાળવણી સાથે વિકાસના કામોમાં પણ અગ્રેસર હોય. આ બાબતોમાં ધોરડો ગામના યોગદાનને પગલે તેને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આ ખિતાબ મેળવવા માટે વિશ્વભરમાંથી 260 જેટલી અરજીઓ આવી હતી જેમાંથી 54 ગામને પસંદ કરવામાં આવ્યા હતા. કુલ 74 ગામોએ UNWTOના બેસ્ટ ટુરિઝમ વિલેજ નેટવર્કમાં ભાગ લીધો હતો.