ધીરજ સાહુ ફસાયા? 300 કરોડની રોકડ રિકવર, 8 મશીનો વડે નોટોની ગણતરી…
ચૂંટણીમાં માત્ર 34 કરોડની જ સંપત્તિ જાહેર કરી હતી!
ઝારખંડ, છત્તીસગઢ અને ઓરિસ્સામાં છેલ્લા ત્રણ દિવસથી આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી રહી છે.આ કાર્યવાહી કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ઘરે ચાલી રહી છે, જેમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ અને તેમના નજીકના સહયોગીઓના ઘરો પર આવકવેરા વિભાગના દરોડામાં 300 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે.
નોટો ગણવા માટે મશીનો મંગાવવા પડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 300 કરોડ રૂપિયાની ગણતરી થઈ ગઈ છે અને નોટોની ગણતરી હજુ ચાલુ છે. આવી સ્થિતિમાં જપ્ત કરાયેલી રકમ વધુ વધી શકે છે. મોટા ભાગના નોટોના બંડલ 500-500 રૂપિયાના છે.
30 કબાટોમાંથી નોટોના આવા બંડલ મળી આવ્યા છે. 30 થી વધુ બેંક કર્મચારીઓ નોટો ગણવા માટે રોકાયેલા છે અને નોટો ગણવા માટે 8 થી વધુ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નોટોથી ભરેલી લગભગ 150 બેગને બાલાંગીરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય શાખામાં લઈ જવામાં આવી છે. દરોડામાં 300 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે. અંદાજ લગાવી શકાય છે કે આ એટલી મોટી રકમ છે કે જેને ગણતા મશીન પણ થાકી ગયા હતા, ત્યાર બાદ બાદ હૈદરાબાદ અને ભુવનેશ્વરથી નોટ ગણવાનું મોટું મશીન મંગાવવામાં આવ્યું છે.
ધીરજ સાહુ એક મોટા ઉદ્યોગપતિ છે અને દારૂ બનાવતી કંપની બલદેવ સાહુ અને ગ્રુપ ઓફ કંપનીઝ સાથે સંકળાયેલા છે. આ કાર્યવાહી દારૂ સંબંધિત વ્યવસાયમાં કરચોરીની આશંકાના કારણે શરૂ કરવામાં આવી હતી, જેમાં આવકવેરા વિભાગે કરચોરીના આરોપમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીઓના જૂથના પરિસર પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. જેમાં બૌદ્ધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ, પ્રાઇવેટ લિમિટેડ બલદેવ સાહુ ઇન્ફ્રા લિમિટેડ ક્વોલિટી બોટલ્સ અને કિશોર પ્રસાદ વિજય પ્રસાદ બેવરેજ લિમિટેડ નામની કંપનીઓનો સમાવેશ થાય છે.
બૌદ્ધ ડિસ્ટિલરી એ રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના પરિવારની કંપની છે. ધીરજ સાહુનો પરિવાર દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો છે.તેમની પાસે ઓરિસ્સામાં અનેક શરાબના ઉત્પાદનના કારખાનાઓ છે.
જો જાહેર કરેલી સંપત્તિની વાત કરીએ તો 2018માં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ધીરજ પ્રસાદ સાહુએ ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં તેમણે પોતાની સંપત્તિ 34 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું. તેમણે 2.36 કરોડ રૂપિયાનું દેવું પણ જાહેર કર્યું હતું. જ્યારે નાણાકીય વર્ષ 2016-17ના આવકવેરા રિટર્નમાં તેણે પોતાની આવક 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાહેર કર્યું હતું. હવે આવકવેરા વિભાગના અધિકારીઓ આવકના સ્ત્રોત અંગે તેમની અને તેમના પરિવારજનોની પૂછપરછ કરી શકે છે. આ મામલામાં ED પણ સામેલ થઇ શકે છે.
લોકોની મહેનતની કમાણી પર એશ કરતા રાજકીય નેતાઓના બૂરે દિન આવી ગયા છે. વડાપ્રધાન મોદીએ સાહુના ઘેર પાડવામાં આવેલા દરોડામાં મળી આવેલી રોકડ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે. આ પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું છે કે ‘દેશવાસીઓએ આ નોટોના ઢગલા પર નજર નાખવી જોઈએ અને પછી તેમના નેતાઓના પ્રામાણિક ભાષણો સાંભળવા જોઈએ… જનતા પાસેથી જે કંઈ પણ લૂંટવામાં આવ્યું છે, તેનો એક-એક પૈસો પાછો આપવો પડશે. આ મોદીની ગેરંટી છે.’