હવે ઉત્તરાખંડની ધર્મનગરીમાં પણ આંતરરાષ્ટ્રીય મેચો યોજાશે
હરિદ્વારમાં બની રહ્યું છે ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ
હરદ્વારઃ ધર્મભૂમિ ઉત્તરાખંડના હરદ્વારમાં રાષ્ટ્રીય સ્તરનું મેદાન વિકસાવવામાં આવી રહ્યું છે. અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ મેચો પણ યોજવામાં આવી શકે છે. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ રાજ્યની યુવા પ્રતિભાઓને સારા મેદાનો ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે. આ ક્રમમાં હરદ્વાર-રુરકી ડેવલપમેન્ટ ઓથોરિટીએ ભલ્લા સ્ટેડિયમને રાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ મેદાન તરીકે વિકસાવવાનું શરૂ કર્યું છે.
હરદ્વાર-રુરકી ડેવલપમેન્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ અંશુલ સિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ મેદાન માટે જરૂરી 60 મીટરની બાઉન્ડ્રીને ધ્યાનમાં રાખીને ભલ્લા સ્ટેડિયમની બાઉન્ડ્રી 50 મીટરથી વધારીને 65 મીટર કરવામાં આવી રહી છે. અંશુલ સિંહ પોતે અંડર-19 ટીમનો ખેલાડી રહી ચૂક્યા છે.
તેમણે કહ્યું હતું કે હરદ્વારમાં બની રહેલા સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડની ત્રણ ક્રિકેટ પિચ બનાવવામાં આવી રહી છે. આ માટે રાજસ્થાનના અલવરથી ખાસ પ્રકારની માટી મંગાવવામાં આવી છે.
ખેલાડીઓ માટે પેવેલિયન, ડ્રેસિંગ રૂમ, રેસ્ટ રૂમ વગેરે પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, મીડિયા કવરેજ માટે મીડિયા સેન્ટર, કોમેન્ટ્રી બોક્સ, કાફેટેરિયા, પાર્કિંગ અને દર્શકો માટે બેઠક જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી ત્રણ મહિનામાં આ મેદાન રાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ મેચો યોજવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.
આ રાજ્યના યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા નિખારવામાં મદદ કરશે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી આ મેદાનમાં દિવસ દરમિયાન જ મેચ રમાતી હતી, પરંતુ હવે આ મેદાનમાં દિવસ-રાતની મેચો પણ રમાશે. એ માટે બધી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. દિવસ અને રાત્રિની મેચો માટે મેદાનમાં ફ્લડલાઈટ લગાવવામાં આવી રહી છે.