ધનતેરસે દેશભરમાં ₹ ૫૦ હજાર કરોડથી વધુનો વેપાર
નવી દિલ્હી: પાંચ દિવસીય દિવાળી પર્વનો શુક્રવારથી (૧૦ નવેમ્બર) પ્રારંભ થયો હતો. શુક્રવારે ધનતેરસ હતી. ધનતેરસના અવસર પર દેશભરના બજારોમાં અદ્ભુત ખરીદી જોવા મળી હતી. ધનતેરસથી શરૂ થયેલા પાંચ દિવસીય દીપોત્સવને લઈને બજારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ટ્રેડર્સ ફેડરેશનના જણાવ્યા અનુસાર ધનતેરસ પર દેશભરમાં પચાસ હજાર કરોડથી વધુનો બિઝનેસ થયો હતો. જેમાં ૩૦ હજાર કરોડ રૂપિયાનું સોનું અને ચાંદી અને ૨૦ હજાર કરોડ રૂપિયાના સામાનનું વેચાણ થયું હતું. બજારમાં ખરીદીનો એટલો ધમધમાટ હતો કે મુંબઈ અને દિલ્હીમાં ગુરુવાર રાતે પડેલા વરસાદની પણ ગ્રાહકો પર કોઈ અસર થઈ ન હતી.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ અનુસાર દેશભરમાં પચાસ હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો હતો, જેમાંથી ૩૦ હજાર કરોડનો વેપાર માત્ર સોના ચાંદીમાં જ થયો હતો. દિલ્હીના બુલિયન માર્કેટમાં સવારથી જ ભારે ભીડ જોવા મળી રહે છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે દોઢ ગણા વધુ ગ્રાહકો છે. તેથી વેચાણ પણ જબરદસ્ત થઇ રહ્યું છે. સામાન્ય દિવસોમાં બુલિયન માર્કેટ સાંજે સાત વાગ્યે બંધ થાય છે, પરંતુ ધનતેરસની મધરાત સુધી ધંધો ચાલુ રહ્યો હતો.
૪૧ ટન સોનાનું વેચાણ: વર્ષ ૨૦૨૨માં સોનાની કિંમત ૫૨૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતી, જ્યારે તે સમયે તે ૬૨૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામમાં ઉપલબ્ધ હતી. ગત દિવાળી પર ચાંદી ૬૭,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી, જે આ વર્ષે ૭૨,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો છે. એક અનુમાન મુજબ ધનતેરસ પર દેશમાં લગભગ ૪૧ ટન સોનું અને લગભગ ૪૦૦ ટન ચાંદીના ઘરેણા અને સિક્કાનું વેચાણ થયું હતું.
દેશભરમાં રૂપિયા ૫૦,૦૦૦ કરોડનો બિઝનેસ: ટ્રેડર્સ ફેડરેશન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના અંદાજ મુજબ ધનતેરસના અવસર પર દેશભરમાં રૂપિયા પચાસ હજાર કરોડથી વધુનો વેપાર થયો હતો, જેમાંથી એકલા દિલ્હીમાં પાંચ હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. ધનતેરસના દિવસે ગણેશ, લક્ષ્મી, કુબેરની મૂર્તિઓ કે ચિત્રો ખરીદવામાં આવે છે. આ ઉપરાંત વાસણો, રસોડાના ઉપકરણો, ઈલેક્ટ્રોનિક વસ્તુઓની સાથે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે અને તેથી તેની ખૂબ માંગ છે. દિવાળી માટે માટીના દીવા, કંદીલ, ઘર અને ઓફિસ ડેકોરેશનની વસ્તુઓ, ફર્નિશિંગ ફેબ્રિક, દિવાળી પૂજા સામગ્રી પણ બહુ વેચાઈ રહી છે.