પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તોને મળશે આ વીઆઇપી સગવડ…
અયોધ્યા: અયોધ્યામાં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે મોટાભાગે તમામ હોટેલો, ધર્મશાળાઓમાં તો ફુલ બુકિંગ ઝઇ ગયું પરંતુ ઓળખીતાઓના ઘરે પણ રહેવા માટે ભક્તોએ અગાઉથી જાણ કરી દીધી છે. પરંતુ હજુ પણ દર્શનાર્થે આવવા અને અયોધ્યામાં રહેવા માટે ભક્તોની ઇન્કવાયરી ચાલુ છે. ત્યારે આવનારા ભક્તોને અગવડના પડે તે માટે ઉત્તર પ્રદેશ સરકારે ટેન્ટ સિટી બનાવવાનું શરૂ કર્યું છે.
મંદિરથી વોકિંગ ડિસ્ટન્સ પર એક લક્ઝરી ‘ટેન્ટ સિટી’ બનાવવામાં આવશે. યુપી સરકારે 20 એકર જમીન ‘ટેન્ટ સિટી’ માટે ફાળવી છે, જે રામજન્મભૂમિથી માત્ર 1.5 કિલોમીટર દૂર હશે. તેમાં વિવિધ કદના 300 લક્ઝરી ટેન્ટ હશે. જ્યાંથી ભક્તો સરળતાથી મંદિર સુધી જઇ શકશે.
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે આવતા વર્ષે જાન્યુઆરીમાં ઉદ્ઘાટન બાદ દરરોજ લગભગ 1.5 લાખ લોકો મંદિરની મુલાકાત લે તેવી અપેક્ષા છે. હાલમાં અયોધ્યામાં મર્યાદિત સંખ્યામાં હોટેલ્સ છે અને મુલાકાતીઓ માટે ‘ટેન્ટ સિટી’ને એક વિકલ્પ તરીકે જોવામાં આવે છે.
યુપી સરકાર પાંચ વર્ષ માટે લાયસન્સ આધારે ટેન્ટ સિટીનો વિકાસ, સંચાલન અને જાળવણી કરવા ખાનગી બિડર ઇચ્છે છે. સરકારી દસ્તાવેજો પ્રમાણે 20 એકર જમીન પર ટેન્ટ સિટી વિકસાવવામાં આવશે અને એક વર્ષમાં ઓછામાં ઓછા 300 ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવશે.
આ ટેન્ટ સિટી પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પ્રાકૃતિક પર્યાવરણ અને વિસ્તારના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને જાળવી રાખીને આધુનિક સુવિધાઓ પ્રદાન કરવાનો રહેશે. તેમાં વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનો સમાવેશ થશે જેમ કે ટેન્ટ આવાસ, સ્વાગત વિસ્તાર, રેસ્ટોરન્ટ, ભોજન વિસ્તાર અને VIP લાઉન્જ. આ ટેન્ટ વિવિધ કેટેગરીના હશે, જેમાં વિલા, ડીલક્સ અને સુપર ડીલક્સ ટેન્ટનો પણ સમાવેશ થાય છે.