Viral Video : એસીના પાણીને શ્રદ્ધાળુઓ સમજી બેઠા ચરણામૃત, ભક્તોની ભીડ ઉમટી

મથુરા : દેશમાં દિવાળી અને નવ વર્ષના તહેવારો દરમ્યાન મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેવા સમયે મથુરા-વૃંદાવનના બાંકે બિહારી મંદિરનો એક વીડિયો વાયરલ(Viral Video)થઇ રહ્યો છે. જેમાં મંદિરની પાછળની બાજુથી ટપકતા પાણીને લોકો ચરણામૃત સમજીને પી રહ્યા છે. જો કે, લોકો જે પાણીને ચરણામૃત સમજીને પીતા હતા તે વાસ્તવમાં એસીનું ડિસ્ચાર્જ પાણી છે. કેટલાક લોકો આ પાણી એકત્ર કરીને ઘરે લઈ જતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
એસીનું પાણી છે ચરણામૃત નથી
આ દરમિયાન ત્યાં હાજર એક યુવક આગળ આવે છે અને બધાને સત્ય જણાવે છે. યુવક લોકોને કહે છે કે આ પાણી વાસ્તવમાં ઠાકુરજીના ગર્ભગૃહની અંદર લગાવેલા એસીમાંથી આવે છે. તેમનું કહેવું છે કે મંદિરના પૂજારીએ પણ પુષ્ટિ કરી છે કે આ પાણી ચરણામૃત નથી. યુવકનું આ નિવેદન સાંભળીને લોકો દંગ રહી ગયા છે અને વીડિયોમાં તેના ચહેરા પર નિરાશા અને આશ્ચર્ય સ્પષ્ટપણે જોઈ શકાય છે.
મંદિર પ્રશાસને પગલાં લેવા જોઈએ
આ ઘટના ધાર્મિક સ્થળો પર ફેલાતી અફવાઓ અને અજ્ઞાનતાને ઉજાગર કરે છે. ભક્તો ઘણીવાર તેમની ભક્તિ અને શ્રદ્ધામાં એટલા ડૂબી જાય છે કે તેઓ ક્યારેક કોઈ પણ જાતની ચકાસણી કર્યા વિના કોઈ પણ વસ્તુને પવિત્ર માને છે.આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ તેને ભક્તોની નિર્દોષતા અને અંધશ્રદ્ધાનું પરિણામ ગણાવ્યું છે. તો કેટલાકે મંદિર પ્રશાસન પર સવાલ ઉઠાવ્યા છે કે આવી ઘટનાઓને રોકવા માટે યોગ્ય પગલાં કેમ લેવામાં આવતા નથી.