નવરાત્રીના પહેલા દિવસે મા દુર્ગાને ભક્તએ આપી આ ભેટ

નવરાત્રીનો પર્વ આખા દેશમાં અનેરા ઉત્સાહથી ઉજવાઈ છે. ગુજરાતમાં નવરાત્રીમાં નવ દિવસ ગરબા રમવાની પરંપરા છે જ્યારે અન્ય રાજ્યોમાં પણ માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જમા થાય છે.
આંધ્રપ્રદેશના વિજયવાડામાં પ્રખ્યાત કનક દુર્ગા મંદિરમાં ભક્તોની લાંબી કતારો છે. દરમિયાન મા દુર્ગાના એક ભક્તે દેવી કનક દુર્ગાને સોનાનો મુગટ ભેટમાં આપ્યો છે. નવા તાજની કિંમત 2.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ તાજ સોના અને હીરાથી બનેલો છે. તેની ડિઝાઇન પણ ખૂબ આકર્ષક છે.
મળતી માહિતી મુજબ, દેવી કનક દુર્ગાને સોના અને હીરાથી જડેલા નવા મુગટથી શણગારવામાં આવ્યા છે. આ મુગટ ખૂબ જ સુંદર લાગે છે. ચમકતા હીરા અને સોનાના મુગટથી સુશોભિત દેવી દુર્ગાને બાલા ત્રિપુરા સુંદરી દેવી તરીકે પૂજવામાં આવે છે.
| Also Read: Navratri સુધરશે આ રાશિના જાતકોની, Bank Balanceમાં થશે વૃદ્ધિ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મંદિર પ્રશાસને ભક્તનું નામ ગુપ્ત રાખ્યું છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ મનોકામના પૂર્ણ થયા બાદ ભક્તે આ મુગટ અર્પણ કર્યો હતો. જો કે આ અંગે સત્તાવાર રીતે વધુ માહિતી આપવામાં આવી નથી.
કનક દુર્ગા મંદિર સત્તાવાર રીતે શ્રી દુર્ગા મલ્લેશ્વર સ્વામીવરલા દેવસ્થાનમ તરીકે ઓળખાય છે. આ મંદિર આંધ્રપ્રદેશના વિજયવાડામાં કૃષ્ણા નદીના કિનારે ઈન્દ્રકીલાદ્રી ટેકરી પર આવેલું છે. અહીં હંમેશા ભક્તોની ભારે ભીડ રહે છે. નવરાત્રી દરમિયાન લોકોની ભીડ વધુ વધી જાય છે.
દંતકથા અનુસાર જ્યારે પૃથ્વી પર રાક્ષસોનો આતંક વધી ગયો ત્યારે ઈન્દ્રકિલ ઋષિએ કઠોર તપસ્યા કરી. ઋષિની તપસ્યાને કારણે જ્યારે દેવી માતા પ્રગટ થઈ ત્યારે તેમણે પોતાના મસ્તક પર નિવાસ કરવાનું અને દુષ્ટ રાક્ષસો પર નજર રાખીને પાપીઓને મારવાનું વરદાન માંગ્યું. ઋષિની ઈચ્છા મુજબ માતા કનક દુર્ગાએ ઈન્દ્રકીલાને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવીને રાક્ષસોનો વધ કર્યો. એવું કહેવાય છે કે માતા કનક દુર્ગાએ પાછળથી રાક્ષસ રાજા મહિષાસુરનો પણ વધ કર્યો હતો.
નવરાત્રી દરમિયાન દરેક રાજ્યના માતાજીના મંદિરોમાં આવી જ ભક્તોની ભીડ રહે છે અને લોકો માતાની ભક્તિમાં તરબોળ થાય છે.



