નેશનલ

દેવેન્દ્ર ફડણવીસે નેપાળમાં અટકી પડેલા 58 યાત્રાળુને ઉગાર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ટુરિસ્ટ કંપની દ્વારા હાથ ઉપર કરી નાખવામાં આવતાં નેપાળમાં અટકી પડેલા 58 ભાવિકોને બચાવીને પાછા સ્વદેશ લાવવામાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળ્યું છે.

પૈસા નથી એમ કહીને ટુરિસ્ટ કંપનીએ પોતાના હાથ ઊંચા કરી દેતાં નેપાળના કાઠમંડુમાં પનવેલના 58 ટુરિસ્ટને રોકી રાખવામાં આવ્યા હતા. તેમણે અનેક નેતાઓ તેમ જ તેમના પી. એ. ને ફોન કર્યા હતા, પરંતુ ક્યાંયથી મદદ મળી નહોતી, પરંતુ જ્યારે દેવેન્દ્ર ફડણવીસને મેસેજ કરવામાં આવ્યો ત્યારે તેમણે તત્કાળ કાર્યવાહી કરી હતી અને આ ટુરિસ્ટને નેપાળથી વીઆઈપી ટ્રીટમેન્ટમાં ઉત્તર પ્રદેશના ગોરખપુર સુધી લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પનવેલ સુધી સુરક્ષિત લાવવામાં આવ્યા હતા.

આ સમગ્ર પ્રકરણની માહિતી આપતાં એક ટુરિસ્ટ સંજુ મ્હાત્રેએ કહ્યું હતું કે રાયગઢ જિલ્લાના કામોઠે ગામના 35 મહિલા અને 23 પુરુષ નેપાળમાં ધાર્મિક પર્યટન માટે ગયા હતા. ગોરખપુરથી નેપાળ સુધી બધા બરોબર પહોંચ્યા હતા. લુંબીની, પોખરા, જનકપુરી, મનોકામના વગેરે સ્થળે દર્શન કર્યા અને કાઠમંડુ પાછા ફર્યા બાદ તેમને રાધાકૃષ્ણ ટ્રાવેલ્સની બસમાં કેદ કરી દેવામાં આવ્યા હતા.

ભાવિકોએ અહીંથી નીકળતી વખતે પૂરા પૈસા ભરી દીધા હતા, પરંતુ તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. તમારી ટુરિસ્ટ કંપનીએ પૈસા આપ્યા નથી એટલે જ્યાં સુધી છ લાખ રૂપિયા ભરશો નહીં ત્યાં સુધી તમને છોડીશું નહીં, એવી ધમકી ટ્રાવેલ્સના માલિક અંકિત જયસ્વાલ અને તેમના સાથીએ આપી હતી અને બધાને બસમાં કેદ કરી નાખ્યા હતા.
બસના પ્રવાસીઓએ કેટલાક રાજકીય નેતાઓ અને તેમના પીએને સંપર્ક કર્યો પરંતુ ક્યાંયથી મદદ મળી નહોતી. છેવટે સંજુ મ્હાત્રેએ ફડણવીસને મેસેજ કર્યો હતો. તરત જ તેમનો પ્રતિસાદ મળ્યો હતો.

ફડણવીસના અંગત સચિવ દિલીપ રાજુરકર અને દિલ્હીના અંગત મદદનીશ મનોજ મુંડેએ ભાવિકોનો સંપર્ક સાધ્યો હતો.
તેમની ટીમે મૂળ નેપાળના તેમ જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ભૂતપૂર્વ અંગત મદદનીશ સંદીપ રાણાને આખા પ્રકરણની જાણ કરી હતી. રાણાએ પોતે ભાવિકોની મુલાકાત લીધી અને બધા જ ભાવિકોને વિશેષ બસ દ્વારા ઉત્તર પ્રદેશના ગોરખપુર પહોંચાડ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો સંપર્ક સાધ્યો હતો. તેમણે બધા ભાવિકોની બે દિવસ રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરી હતી અને કલેક્ટરે પોતે આવીને ભાવિકોની મુલાકાત લીધી હતી.

ફડણવીસે પછી અશ્ર્વિની વૈષ્ણવનો સંપર્ક સાધીને ગોરખપુરથી મુંબઈની ટ્રેનમાં એક વધારાની બોગી લગાવીને આ ભાવિકોની વ્યવસ્થા કરવાની વિનંતી કરી હતી અને તે રીતે બધા મુંબઈ પહોંચ્યા હતા. બે દિવસનો પ્રવાસ કરીને બધા આખરે સુખરૂપ મુંબઈ પહોંચ્યા હતા અને ફડણવીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button