સરહદી વિસ્તારના ગામડાંઓનો વિકાસ સરકારની પ્રાથમિકતા: શાહ
નવી દિલ્હી: સરહદી વિસ્તારમાં આવેલા ગામડાંઓમાં લોકોની વસતિ માત્ર ટકી રહે એટલું જ નહિ, પરંતુ તેમાં વધારો થાય તે માટે વાઈબ્રન્ટ વિલેજના વિચારને મૂર્તિમંત કરવા કેન્દ્ર સરકાર આ ગામડાંઓમાં શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવાના લક્ષ્યને પ્રાથમિકતા આપી રહી હોવાનું કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું. ઈન્ડો-તિબેટન બૉર્ડ ફૉર્સ (આઈટીબીપી)ના ૬૨મા સ્થાપના દિન નિમિત્તે સંબોધન કરતા શાહે કહ્યું હતું કે સરહદી વિસ્તારમાં આવેલાં ગામડાંઓ ખાલી થઈ જશે તો તેની સુરક્ષા કરવાનું મુશ્કેલ બની જશે.
કેન્દ્ર સરકાર સરહદી વિસ્તારમાં આવેલા ગામડાંઓને માત્ર ભૌગોલિક રીતે જ નહિ, પરંતુ સુવિધાની દૃષ્ટિએ પણ પ્રથમ ગામડું બનાવવા માગે છે.
સરહદી વિસ્તારમાં આવેલા ગામડાંઓમાં વસતા લોકોને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ વિલેજનો વિચાર વહેતો મૂક્યો છે જેથી કરીને આ વિસ્તારમાં આવેલા ગામડાંઓમાં લોકોની વસતિ માત્ર ટકી રહે એટલું જ નહિ, પરંતુ તેમાં વધારો પણ થાય, એમ શાહે કહ્યું હતું.
સરહદી વિસ્તારમાં ૧૬ જિલ્લાના ૬૬૨ ગામડાંઓમાં પૂરતી માળખાકીય, આરોગ્ય અને શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવા રૂ. ૪,૮૦૦ કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
સરહદી વિસ્તારમાં આવેલાં ગામડાંઓમાં વિકાસનું કામ હાથ ધરવાની જવાબદારી આઈટીબીપીને સોંપવામાં આવે એવી શક્યતા છે, એમ તેમણે કહ્યું હતું.
અગાઉ ૨૦૧૪માં ભારત-ચીન સરહદ માટે રૂ. ૪,૦૦૦ કરોડ ખર્ચવામાં આવ્યા હતા જે વર્ષ ૨૦૨૨-૨૩માં વધારીને ત્રણગણુ એટલે કે રૂ. ૧૨,૩૪૦ કરોડ કરી દેવામાં આવ્યું છે, એમ શાહે કહ્યું હતું.
પહોંચવું મુશ્કેલ હોય તેવા ભૌગોલિક પ્રદેશમાં માઈનસ તાપમાનમાં હિંમત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા આઈટીબીપીના હિમવીરોને દેશ સલામ કરે છે, એમ તેમણે કહ્યું હતું.
આઈટીબીપી દેશની સરહદોની રક્ષા કરી રહ્યું હોવાને કારણે કોઈપણ દેશ ભારતની એક ઈંચ જમીન કબજે કરવાનો વિચાર પણ ન કરી શકે, એમ તેમણે કહ્યું હતું.
આઈટીબીપીના અધિકારીઓને ફરજ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું જણાવતાં શાહે ભારપૂર્વક કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમના પરિવારનું ધ્યાન રાખશે. (એજન્સી)