“જીવનનો સૌથી આનંદનો દિવસ…”, આકાશ સિસ્ટમ વિકસાવનાર વૈજ્ઞાનિકે કહી આ વાત…

નવી દિલ્હી: ગઈ કાલે પાકિસ્તાને ભારતના 36 સ્થાનો પર 300 થી 400 ડ્રોન છોડ્યા હતાં. જવાબમાં, ભારતની S-400 ટ્રાયમ્ફ સિસ્ટમ્સ, બરાક-8 અને આકાશ મિસાઇલો અને DRDO ની એન્ટી ડ્રોન ટેકનોલોજી સક્રિય થઇ ગઈ હતી. ભારતે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.
સ્વદેશી રીતે વિકસિત આકાશ મિસાઇલ સિસ્ટમે મિસાઇલો અને ડ્રોનને નિષ્ક્રિય કરવામાં અને પશ્ચિમ ભારતના શહેરોનું રક્ષણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આકાશ સિસ્ટમ સર્ફેસ ટૂ એર મિસાઈલ સિસ્ટમ છે. જે એકસાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. આ મિસાઈલ સિસ્ટમ 15 વર્ષમાં DRDOના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડૉ. પ્રહલાદ રામારાવ દ્વારા વિકસાવવામાં આવી હતી.
‘જીવનનો સૌથી ખુશીનો દિવસ…’
ભારતના લોકોના રક્ષણમાં આકાશ મિસાઈલ સિસ્ટમે મહત્વની ભૂમિકા ભજવી હોવાથી ડૉ.રામારાવ ખુશ છે. તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું, “આ મારા જીવનનો સૌથી ખુશીનો દિવસ છે… મારા બાળક(માય બેબી)ને દુશ્મનના હવાઈ લક્ષ્યોને તોડી પાડવામાં આટલી સચોટ અને સુંદર રીતે કામ કરતા જોવું ખુબ આનંદની વાત છે.”
તેમણે વધુમાં કહ્યું “આકાશ મિસાઈલ સિસ્ટમે આપણી અપેક્ષાઓ કરતાં વધુ કામ કર્યું… ટાર્ગેટને અસરકારક રીતે તોડી પાડ્યા.”
ડૉ. એપીજે અબ્દુલ કલામે માર્ગદર્શન આપ્યું:
હાલ 78 વર્ષના ડૉ.રામારાવને ભારતના ‘મિસાઇલ મેન’ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વારા તેમને પસંદ કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓ આકાશ પ્રોજેક્ટના સૌથી નાની ઉંમરના પ્રોજેક્ટ ડિરેક્ટર હતા.
ન્યુઝ ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું શરૂઆતમાં ભારતીય સૈન્યએ આ સિસ્ટમ સામેલ કરવામાં ખચકાટ અનુભવ્યો હતો. આ સિસ્ટમ તેમણે અને તેમના સાથીદારોએ ડ્રોન, મિસાઇલો, હેલિકોપ્ટર અને યુનાઇટેડ સ્ટેટ્સના સુપરસોનિક F-16 ફાઇટર જેટ જેવા અત્યંત ફાસ્ટ વિમાનોને ઇન્ટરસેપ્ટ કરવા માટે ડિઝાઇન કરી હતી.
આકાશ સિસ્ટમને ભારતના ઇન્ટીગ્રેટેડ ઉનમેન્ડ એરિઅલ સિસ્ટમ ગ્રીડ, રશિયન બનાવટના S-400 અને અન્ય વિમાન વિરોધી શસ્ત્રો સાથે જોડીને એક મજબૂત આકાશી કવચ બનાવવામાં આવ્યું છે.