નેશનલ

મોરોક્કોમાં વિનાશક ભૂકંપ: ૧૦૦૦થી વધુનાં મોત

ધરતીકંપમાં બેહાલ થયું મોરોક્કો: શુક્રવારે રાતે મોરોક્કોમાં ધરતીકંપ આવતાં ભારે બેહાલી સર્જાઈ હતી. ઘણાં મકાનો તૂટી પડ્યાં હતાં અનેક મકાનોમાં તિરાડો પડી હતી. આ ધરતીકંપમાં ૧૦૩૭ લોકો માર્યા ગયા હતા. હજારો લોકો બેઘર થયા હતા. ગરીબોની હાલત બદતર થઈ હતી. (પીટીઆઈ)

રબાત (મોરોક્કો): મોરોક્કોમાં શુક્રવારે મોડી રાત્રે ૬.૮ની તીવ્રતાનાં આવેલા એક શક્તિશાળી ભૂકંપમાં ૧૦૩૭થી વધુ લોકો માર્યા ગયા હતા અને ૧૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર જાણવા મળ્યાં હતાં. આ સાથે ભૂકંપને કારણે ઐતિહાસિક શહેર મરાક્કેશ એટલાસ પર્વતોનાં ગામો સુધીની સેંકડો ઇમારતોને નુકસાન થયું હતું.
સમગ્ર વિસ્તાર પર્વતીય હોવાથી બચાવ દલની ટીમોને પહોંચવામાં વાર લાગી રહી છે અને મૃતકાંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ભૂકંપ આવ્યા બાદ ગભરાયેલા આબાલવૃદ્ધ ભાગીને શેરીઓમાં નીકળી આવ્યા હતા. મોરોક્કોના ગૃહ મંત્રાલયે શનિવારે વહેલી સવારે જણાવ્યું હતું કે ભૂકંપની અસરની નજીકના પ્રાંતોમાં ૧,૦૩૭થી વધુ લોકોના મોત થયાં છે. આ ઉપરાંત ૧૨૦૦ ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
પહાડી અને ગ્રામીણ વિસ્તાર હોવાથી નુકસાનનો અંદાજ આવતા વાર લાગશે. સૌથી વધુ નુકસાન શહેરો અને નગરોની બહાર થયું છે.
અલ હૌઝ પ્રદેશનાં નગરોમાં ઘણાં ઘરો આંશિક અથવા સંપૂર્ણ રીતે તૂટી પડ્યાં હતાં, અને કેટલીક જગ્યાએ વીજળીનાં થાંભલા અને રસ્તાઓ તૂટી ગયાં હતાં.
સત્તાવાળાઓ એમ્બ્યુલન્સને લઇ જવા અને અસરગ્રસ્ત વસ્તીને સહાય માટે રસ્તાઓ સાફ કરવા માટે કામ કરી રહ્યા છે, પરંતુ પર્વતીય ગામો વચ્ચેના મોટા અંતરનો અર્થ એ છે કે નુકસાન વિશે જાણવામાં સમય લાગશે.
મોરોક્કન લોકોએ કેટલાંક વીડિયો પોસ્ટ કર્યા છે જેમાં જમીનદોસ્ત થઇ ગયેલી ઇમારતોનાં કાટમાળ દેખાય છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ મરાક્કેશમાં જૂના શહેરની આસપાસની પ્રખ્યાત લાલ દીવાલોના ભાગોને નુકસાન થયેલું દેખાય છે. યુએસ
જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા ૬.૮ની હતી અને તે રાત્રે ૧૧.૧૧ વાગ્યે આવ્યો હતો. ત્યારબાદ ૧૯ મિનિટ પછી ૪.૯ની તીવ્રતાનો આફ્ટરશોક આવ્યો હતો.
અમેરિકાએ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ૧૮ કિલોમીટર (૧૧ માઇલ) નીચે હોવાનું જણાવ્યું હતું, જ્યારે મોરોક્કોની સિસ્મિક એજન્સીએ તેને ૮ કિલોમીટર (૫ માઇલ) નીચે જણાવ્યું હતું. આવા છીછરાં ભૂકંપ વધુ જોખમી ગણાય છે.
શુક્રવારના ભૂકંપનું કેન્દ્ર એટલાસ પર્વતોમાં હતું, જે મારાકેચથી આશરે ૭૦ કિલોમીટર (૪૩.૫ માઈલ) દક્ષિણમાં હતું. તે ઉત્તર આફ્રિકાના સૌથી ઊંચા શિખર અને ઓકાઈમેડન તૌબકલની નજીક પણ હતું.
પોર્ટુગીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સી એન્ડ એટમોસ્ફિયર અને અલ્જેરિયાની સિવિલ ડિફેન્સ એજન્સી, અનુસાર શુક્રવારનો ભૂકંપ પોર્ટુગલ અને અલ્જેરિયા સુધી અનુભવાયો હતો.
મોરોક્કન સૈન્ય અને બચાવ ટુકડીઓએ નુકસાનથી પ્રભાવિત વિસ્તારોમાં સહાયતાના પ્રયાસો ચાલુ કર્યા હતા, પરંતુ ભૂકંપના કેન્દ્રની આસપાસના પર્વતીય પ્રદેશ તરફ જતા રસ્તાઓ વાહનોથી જામ થઈ ગયા હતા અને તૂટી પડેલા ખડકોના કારણે બચાવ પ્રયાસો ધીમા પડ્યા હતા.
અધિકૃત સમાચાર એજન્સી મેપએ અહેવાલ આપ્યો છે કે ધાબળા, કેમ્પ કોટ્સ અને લાઇટિંગનાં સાધનોથી ભરેલી ટ્રકો સખત રીતે અસરગ્રસ્ત વિસ્તાર તરફ જવાનો પ્રયાસ કરી રહી છે.
મોરોક્કન સરકારે ઔપચારિક રીતે મદદ માટે કહ્યું નથી, પણ તુર્કી, ફ્રાંસ, જર્મની, યુક્રેન અને રશિયા સહિત ભારતમાં જી૨૦ સમિટના સમૂહ દેશો, યુરોપની આસપાસના દેશો, મધ્યપૂર્વ અને તેનાથી આગળના દેશોનાં અનેક નેતાઓએ શોક વ્યક્ત કરવા સાથે સહાય અથવા બચાવ ક્રૂ મોકલવાની ઓફર કરી છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિયોફિઝિક્સના સિસ્મિક મોનિટરિંગ અને ચેતવણી વિભાગના વડા, લાહસેન મ્હાનીએ જણાવ્યું હતું કે ઉત્તર આફ્રિકામાં ધરતીકંપ પ્રમાણમાં ભાગ્યે જ આવે છે. પર્વતીય પ્રદેશમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ભૂકંપ નોંધાયો છે.
આ અગાઉ ૧૯૬૦માં, મોરોક્કન શહેર અગાદિર નજીક ૫.૮ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો જેને કારણે હજારો લોકોનાં મોત થયાં હતાં.
૨૦૦૪માં, ભૂમધ્ય સમુદ્રના દરિયાકાંઠાના શહેર અલ હોસીમા નજીક ૬.૪ની તીવ્રતાના ભૂકંપમાં ૬૦૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button