મુંબઈઃ અમેરિકા ખાતે ગઈકાલે જાહેર થયેલા ફુગાવાના ડેટામાં ફુગાવામાં વૃદ્ધિની ગતિ મંદ પડી હોવાનું જણાતા અમેરિકી ફેડરલ રિઝર્વ ભવિષ્યમાં વ્યાજદરમાં કાપ મૂકવામાં સાવચેતીનો અભિગમ અપનાવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ટકેલુ વલણ અને વાયદામાં સાધારણ ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ વધુ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 1233નો ઘટાડો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 258થી 259 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1233 ઘટીને રૂ. 87,197ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે મધ્યસત્ર દરમિયાન સોનામાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ભાવમાં ઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ભાવમાં નપમાઈનું વલણ રહ્યું હતું, જેમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 258 ઘટીને રૂ. 75,612 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 259 ઘટીને રૂ. 75,916ના મથાળે રહ્યા હતા.
ગઈકાલે અમેરિકા ખાતે પર્સનલ ક્નઝમ્પશન એક્સ્પેન્ડિચર ડેટાની જાહેરાત બાદ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 2637.78 ડૉલર આસપાસના મથાળે ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા ઘટીને 2637.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા ઘટીને આૈંસદીઠ 29.84 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે બજાર હવે ફેડરલ રિઝર્વનાં રેટ કટના નિર્ણય પર નજર રાખી રહી છે. જોકે, તાજેતરના ફુગાવાના ડેટાને ધ્યાનમાં લેતાં વર્ષ 2025માં રેટ કટ માટે થોડાઘણાં અંશે હળવો અભિગમ અપનાવે તેવી શક્યતા ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગના વિશ્લેષક કેલ્વિન વૉંગે વ્યક્ત કરી હતી. આગામી વર્ષે ટ્રમ્પના શાસનકાળમાં ટેરિફના ઊંચા દરની શક્યતા પ્રબળ હોવાથી ફેડરલ રિઝર્વે ફુગાવાનો દર બે ટકાની લક્ષ્યાંકિત સપાટી સુધી રાખવા માટે ઝઝુમવું પડશે. અર્થાત સરળતાથી વ્યાજદરમાં કાપ મૂકવાનો નિર્ણય નહીં લઈ શકે. જોકે, આગામી ડિસેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 68.2 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
Also Read – શેરબજારની ઠંડી શરૂઆત, આ સેક્ટરર્સના શેરોમાં ઉછાળો
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આગામી થોડા દિવસથી લઈને બે સપ્તાહ સુધી સોનાના ભાવ દબાણ હેઠળ આવી શકે છે, પરંતુ લાંબા સમયગાળામાં તેજીનું વલણ જોવા મળશે. તે જ પ્રમાણે ગોલ્ડમેન સાશે આગામી ડિસેમ્બર, 2025 સુધીમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3150 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.