નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી વિશેષ: અત્યાર સુધીમાં 71,246 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત, 2019માં કેવી સ્થિતિ હતી?

દેશમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. 19 એપ્રિલથી સાત તબક્કામાં મતદાન થવાનું છે અને પરિણામો ચોથી જૂને જાહેર થવાનું છે ત્યારે અગાઉની લોકસભા ચૂંટણીઓની એક રસપ્રદ બાબતની વાત કરીએ. ભારતમાં ચૂંટણી અંગેના નિયમોમાં એક નિયમ ઉમેદવારોની ડિપોઝિટની રકમ જપ્ત કરવા અંગેનો છે. આ નિયમ મુજબ જે ઉમેદવારને ચૂંટણીમાં કુલ માન્ય મતોના છઠ્ઠા ભાગના મતો ન મળે તેની અનામત રકમ (ડિપોઝિટ) જપ્ત કરી લેવામાં આવે છે.

સામાન્ય ઉમેદવારો માટે અત્યારે અનામત રકમ રૂ. 25,000 અને એસસી/એસટી ઉમેદવારો માટે અનામત રકમ રૂ. 12, 500 છે. ભારતમાં લોકસભાની પહેલી ચૂંટણી 1951-52માં થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં આ નિયમ હેઠળ 71,246 ઉમેદવારોની અનામત રકમ જપ્ત થઈ ગઈ છે. આવી રીતે જપ્ત કરવામાં આવેલી અનામત રકમ દેશની તિજોરીમાં જમા કરાવી દેવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી અનામતના માધ્યમથી જમા થતી રકમમાં વધારો જોવા મળ્યો છે.
1951માં પહેલી વખત અનામત રકમની શરૂઆત કરવામાં આવી ત્યારે સામાન્ય ઉમેદવારો માટે અનામત રકમ રૂ. 500 હતી અને એસસી/એસટી સમુદાય માટે રૂ. 250 હતી. જેને હવે વધારીને રૂ. 25,000 અને રૂ. 12,500 કરવામાં આવી છે.


પહેલી લોકસભાથી લઈને અત્યાર સુધીમાં ચૂંટણી લડનારા કુલ 91,160 ઉમેદવારોમાંથી 71,246ની અનામત રકમ જપ્ત થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી લડનારા 78 ટકા ઉમેદવારો પોતાની અનામત રકમ બચાવી શક્યા નથી.
1951-52ની પહેલી ચૂંટણીમાં કુલ 1,874 ઉમેદવારમાંથી 745 (40 ટકા) ઉમેદવારની અનામત રકમ જપ્ત થઈ ગઈ હતી. ત્યાર બાદ સતત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની અનામત રકમ જપ્ત થનારા ઉમેદવારોની સંખ્યા વધતી રહી છે.
1996ની 11મી લોકસભાની ચૂંટણીમાં 13,952માંથી 12,688 ઉમેદવારો (91 ટકા)ની અનામત રકમ જપ્ત કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં લોકસભાની ચૂંટણી માટે સૌથી વધુ સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં હતા.


1991-92માં 8,749 ઉમેદવારોમાંથી 7,539 (91 ટકા) ઉમેદવારે અનામત રકમ ગુમાવી હતી. 2009માં 8,070માંથી 6,829 (85 ટકા) ઉમેદવારોની અનામત જપ્ત થઈ હતી. 2014માં 8,251માંથી 7,000 (84 ટકા) ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.

2019ની ચૂંટણીમાં શું સ્થિતિ હતી?

2019ની સામાન્ય ચુંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોમાં સૌથી વધુ બસપા (બહુજન સમાજ પક્ષ)ના સૌથી વધુ ઉમેદવારોની અનામત રકમ જપ્ત થઈ હતી. તેમણે ઊભા રાખેલા 383 ઉમેદવારમાંથી 345 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. ત્યાર બાદના ક્રમે 421માંથી 148 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. ભાજપના 436માંથી 51 ઉમેદવારની અને સીપીઆઈના 49માંથી 41 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ હતી.

રાષ્ટ્રીય પાર્ટીઓનો દેખાવ

1951-52ની પહેલી લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય પાર્ટીઓના 1,217 ઉમેદવારમાંથી 344 (28 ટકા) ની ડિપોઝિટ જપ્ત થઈ હતી. 1957માં સ્થિતિ સુધરી હતી અને 919માંથી ફક્ત 130 (14 ટકા) ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી.
1977માં રાષ્ટ્રીય પાર્ટીઓ માટેનો દેખાવ સૌથી સારો હતો. રાષ્ટ્રીય પાર્ટીઓના 1060 ઉમેદવારમાંથી ફક્ત 100 (9 ટકા) ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ હતી. 2009ની ચૂંટણી રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારો માટે સારી રહી નહોતી. આ ચૂંટણીમાં દરેક બીજા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ હતી. 2009માં નેશનલ પાર્ટીના 1,623 ઉમેદવારમાંથી 779ની ડિપોઝિટ જપ્ત થઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button