નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું ૧૫ ઑક્ટોબરના સમય કરતા ચાર દિવસ પછી, દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસાએ ગુરુવારે ભારતમાંથી સંપૂર્ણપણે વિદાય લીધી છે. ચોમાસાએ સામાન્ય તારીખના આઠ દિવસ પછી ૨૫ સપ્ટેમ્બરે દેશમાંથી વિદાય લેવાનું શરૂ કર્યું હતું. સામાન્ય રીતે, દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસું એક જૂન સુધીમાં કેરળમાં તેની શરૂઆત કરે છે અને આઠ જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. તે ૧૭ સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ર્ચિમ ભારતમાંથી વિદાય લેવાનું શરૂ કરે છે, ૧૫ ઑક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે વિદાય લે છે.
ભારતમાં ચાર મહિનાની (જૂન-સપ્ટેમ્બર) ચોમાસાની ઋતુમાં અલ નીનોની સ્થિતિ વચ્ચે “સરેરાશથી ઓછો (૮૬૮.૬ મિમિ સરેરાશની સરખામણીમાં) ૮૨૦ મિમિ વરસાદ નોંધાયો છે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે સકારાત્મક પરિબળો, મુખ્યત્વે ઇન્ડિયન ઓશન ડીપોલ અને મેડન-જુલિયન ઓસીલેશનએ અલ નીનોની સ્થિતિને ઘટાડી જેના કારણે “સામાન્યની નજીક વરસાદ થયો. છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં “સામાન્ય અને “સામાન્યથી વધુ વરસાદ નોંધાયો હતો. લાંબા ગાળાની સરેરાશના ૯૬ ટકા અને ૧૦૪ ટકા વચ્ચેનો વરસાદ સામાન્ય માનવામાં આવે છે. (પીટીઆઈ)