‘विवाद से विश्वास’ યોજના અંગે IT વિભાગે શા માટે જારી કરી માર્ગદર્શિકા?

નવી દિલ્હીઃ આવકવેરા (Income Tax) વિભાગે ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ (‘विवाद से विश्वास’ ) યોજના ૨૦૨૪ અંગે માર્ગદર્શિકા નોંધ બહાર પાડી હતી. માર્ગદર્શિકા નોંધમાં અવારનવાર પૂછવામાં આવતા વિવિધ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. જેમાં આ યોજનાનો લાભ લેવા માટે કોણ પાત્ર હશે અને સાથે જ જે કર ચૂકવવાના છે તેનો પણ ઉલ્લેખ છે.
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર તેને ૧ ઓક્ટોબર, ૨૦૨૪થી અમલમાં મૂકવામાં આવ્યા બાદ યોજનાની વિવિધ જોગવાઇઓ અંગે માર્ગદર્શન મેળવવા માટે હિતધારકો પાસેથી અનેક પ્રશ્નો પ્રાપ્ત થયા છે. યોજનાની સમાપ્તિની તારીખ હજુ સુધી અધિસુચિત કરવામાં આવી નથી.
આ યોજનાનો લાભ એવા કરદાતાઓ મેળવી શકે છે જેની પાસે રિટ અને સ્પેશિયલ લીવ પિટિશન(અપીલ) સહિત વિવાદ/અપીલ હોય, પછી ભલે તે કરદાતા અથવા કર અધિકારીઓ દ્વારા ફાઇલ કરવામાં આવી હોય, જે ૨૨ જુલાઇ, ૨૦૨૪ સુધી સુપ્રીમ કોર્ટ, હાઇ કોર્ટ, ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ, કમિશ્નર/જોઇન્ટ કમિશ્નર(અપીલ) સમક્ષ પેન્ડિંગ છે.
જેમાં ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પેનલ(ડીઆરપી) સમક્ષ પડતર કેસ અને આવકવેરા કમિશ્નર સમક્ષ પેન્ડિંગ રિવિઝન પિટિશનનો પણ સમાવેશ થશે. જો કરદાતાઓ યોજનાનો લાભ લેવા માટે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ પહેલા ડેક્લરેશન ફાઇલ કરે છે, તો તેઓએ વિવાદિત કર માંગના ૧૦૦ ટકા ચૂકવવા પડશે. આવા કિસ્સાઓમાં વ્યાજ અને દંડ માફ કરવામાં આવશે. તો વળી ૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ અથવા તે પછી ડેક્લરેશન કરવામાં આવ્યું હોય તેવા કિસ્સાઓમાં કરદાતાએ વિવાદિત કર માંગના ૧૧૦ ટકા ચૂકવવા પડશે.