નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં પડી રહેલી હાડ થિજવતી ઠંડીની સાથે આજે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. આજે સવારે એટલું ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે કે કેટલાક વિસ્તારોમાં તો વિઝિબીલીટી ઘટીને શૂન્ય થઈ ગઈ છે. હવામાન વિભાગે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું.
400થી વધુ ફ્લાઈટ્સને વિલંબ
દિલ્હીમાં જામેલા ગાઢ ધુમ્મસના હિસાબે દિલ્હીમાં 400થી વધુ ફ્લાઈટ્સને વિલંબ થયો છે. ઝીરો વિઝિબિલિટીને કારણે લોકોને રસ્તાઓ પર વાહન ચલાવવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ રવિવાર સુધી લોકોને ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડી શકે છે. આજે અનેક વિસ્તારોમાં વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે.
VIDEO | There is a dense fog in Delhi this morning causing inconvenience to commuters. Visuals are from Pandit Pant Marg. (Time: 7:50 AM)#Delhi #Fog pic.twitter.com/NrAHkh15c3
— Press Trust of India (@PTI_News) January 4, 2025
ટ્રેનો પ્રભાવિત
દિલ્હીમાં ગાઢ ધુમ્મસની પરિસ્થિતિને લીધે દિલ્હીથી ઉપડતી અને દિલ્હી આવતી 49 ટ્રેનોના સમયમાં મોડું થયું છે. મોટાભાગની ટ્રેનો ત્રણથી ચાર કલાક મોડી ચાલી રહી છે. જેમાં 10 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં હવામાન વિભાગે પણ દિલ્હી-એનસીઆરમાં 5-6 જાન્યુઆરીએ વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં જો દિલ્હી-એનસીઆરમાં વરસાદ થશે તો ઠંડીમાં વધુ વધારો જોવા મળી શકે છે.
આ પણ વાંચો…Manipur Violence : મણિપુરમાં ફરી હિંસા ભડકી, કલેક્ટર કચેરી પર હુમલો, એસપી ઘાયલ…
હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગે આજે આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને સવારે ચાર કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરી છે. મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ ધુમ્મસ અને ઝાકળ છવાયેલો રહેવાની આગાહી છે. શનિવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 21 અને 8 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવી છે.