ડેન્માર્કની કોર્ટે ભારતને ઝટકો આપ્યો, પુરુલિયા આર્મ્સ ડ્રોપના માસ્ટર માઈન્ડના પ્રત્યાર્પણ અંગે મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: ડેન્માર્કની કોર્ટે ભારતને ઝટકો આપ્યો છે, આજથી 29 વર્ષ પહેલા 1995માં પશ્ચિમ બંગાળના પુરુલિયામાં એક વિમાનમાંથી હથિયારો ડ્રોપ કરવાના ષડ્યંત્ર (Purulia arms drop case)ના માસ્ટરમાઈન્ડ નીલ્સ હોલ્ક ઉર્ફે કિમ પીટર ડેવી (Niels Holck AKA Kim Peter Davy) ફરી ક્યારેય ભારત નહીં આવે. કોર્ટે હોલ્કના પ્રત્યાર્પણ અંગેની ભારત સરકારની અપીલને ફગાવી દીધી છે. ડેનમાર્કની ટોચની પ્રોસીક્યુટીંગ ઓથોરિટીએ નીલ્સને ભારત મોકલવા માટે લીલી ઝંડી આપી હતી, પરંતુ કોર્ટે તેના પર રોક લગાવી દીધી છે.
ઘણા વર્ષોથી, ભારત સરકાર હોલ્કના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે, જેથી તેના પર બળવાખોર જૂથને હથિયારો સપ્લાય કરવા બદલ ભારતીય કોર્ટમાં કેસ ચલાવી શકાય. પરંતુ ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે.
ડેન્માર્કની કોર્ટે ચુકાદો આપ્યો હતો કે આરોપી હોલ્કને ભારત મોકલવો એ ડેનમાર્કના પ્રત્યાર્પણ કાયદાનું ઉલ્લંઘન હશે. કારણ કે ભારતમાં તેની સાથે યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઈટ્સનું ઉલ્લંઘન કરવામાં આવશે એવો ડર છે. આ દરમિયાન 62 વર્ષીય હોલ્કે કહ્યું કે જો તેને પ્રત્યાર્પણ કરવામાં આવે તો તેના જીવને ખતરો છે.
સરકારી વકીલ એન્ડર્સ રેચેનડોર્ફ હોલ્કને ટ્રાયલ માટે ભારતને સોંપવા માટે કેસ લડ્યો હતો. તેમણે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે હજુ સુધી એ નક્કી નથી થયું કે આ નિર્ણય સામે અપીલ કરવામાં આવશે કે નહીં.
બચાવ પક્ષના વકીલ જોનાસ ક્રિસ્ટોફરસને ન્યુઝ એજન્સીને જણાવ્યું કે “ભારત દ્વારા આપવામાં આવેલી ગેરંટી માન્ય નથી, સરકારી વકીલ અને ભારતે શરતો પર વાટાઘાટો કર્યાને છ વર્ષ થઈ ગયા છે.”
ડેનિશ કોર્ટે કહ્યું હતું કે ભારત દ્વારા રાજદ્વારી બાંયધરી આપવામાં હોવા છતાં, હોલ્કને ભારતમાં ટોર્ચર અથવા અન્ય અમાનવીય પડકરોનો સામનો કરવો પડે તેવું જોખમ છે. ચુકાદો જાહેર થયા પહેલા હોલ્કે ગુરુવારે સવારે ડેનિશ રેડિયો પર કહ્યું હતું કે “હું ન્યાયાધીશની સામે જવાબદાર ઠારવા માંગુ છું કારણ કે હું માનું છું કે આ એક ન્યાયીક કટોકટી છે,”
જાણો શું છે પુરુલિયા આર્મ્સ ડ્રોપ કેસ?
17 ડિસેમ્બર 1995ના રોજ એન્ટોનોવ AN-26 એરક્રાફ્ટથી પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના જૌપુર ગામમાં શસ્ત્રોથી ભરેલી પેટીઓ પેરાશુટ સાથે બાધી ડ્રોપ કરવામાં આવી હતી. આ પેટીઓમાં સેંકડો એકે-47 રાઇફલ્સ, એન્ટી ટેંક ગ્રેનેડ, રોકેટ લોન્ચર અને 25,000 થી વધુ રાઉન્ડ દારૂગોળો સામેલ હતો. આ હથિયારો એક સામાજિક સંસ્થા આનંદ માર્ગ માટે હતો, જેનો ઉગ્રવાદનો ઈતિહાસ રહ્યો છે. રશિયન કાર્ગો પ્લેનનો પાયલોટ બ્રિટિશ આર્મીનો ભૂતપૂર્વ અધિકારી પીટર બ્લીચ હતો, જે પાછળથી આર્મ ડિલર બની ગયો.
22 ડિસેમ્બર, 1995 ના રોજ, જ્યારે આ વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રની બહાર જવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે તેને ભારતીય વાયુસેનાના જેટ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. જેમાં પાંચ લાતવિયન નાગરિકો અને બ્લીચ સહિત ક્રૂની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમય દરમિયાન, મુખ્ય આરોપી ડેવી એરપોર્ટથી ભાગીને ધરપકડથી બચવામાં સફળ રહ્યો હતો.
તેના પછીના નિવેદનો અનુસાર, તે એરપોર્ટના અધિકારીઓને લાંચ આપી નેપાળ ભાગી ગયો, અને છેવટે ડેનમાર્ક પાછો ફર્યો.
પશ્ચિમ બંગાળને સામ્યવાદી સરકારને ઉથલાવવા શસ્ત્રો પૂરા પાડવામાં આવ્યા હતા:
નીલ્સ હોક ઉર્ફે કિમ પીટર ડેવીના વકીલ ક્રિસ્ટોફરસને જણવ્યું કે આ શસ્ત્રો આનંદ માર્ગ નામના બળવાખોર ચળવળ સાથે સંકળાયેલા લોકો માટે હતા. જેમના કહેવા મુજબ, શસ્ત્રો છોડવાનો હેતુ આનંદ માર્ગના સભ્યોને પશ્ચિમ બંગાળની સામ્યવાદી સરકારથી બચાવવાનો હતો. કિમ ડેવી અને પીટર બ્લીચ બંનેએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય અધિકારીઓને હથિયાર ડ્રોપ કરવાની યોજનાની અગાઉથી જાણકારી હતી, જેઓ બંગાળમાં સામ્યવાદી શાસનને ઉથલાવી દેવા માગતા હતા.