જમ્મુ ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) એ ગુરુવારે વિસ્થાપિત કાશ્મીરી પંડિતની કેટલીક દુકાનો બુલડોઝર વડે તોડી પાડતા રાજકારણ (Demolition drive on displaced Kashmiri Pandits shops) ગરમાયું છે. કશ્મીરી પંડિતોને લગભગ ત્રણ દાયકા પહેલા તત્કાલીન J&K સરકાર દ્વારા અહિં વસાવવામાં આવ્યા હતાં.
દુકાનના માલિકોએ જણાવ્યું હતું કે તેઓને ડિમોલિશન ડ્રાઇવ અંગે અગાઉથી કોઈ સૂચના આપવામાં આવી ન હતી, જો કે જેડીએ આ દાવો નકાર્યો હતો.
જેડીએની આ કાર્યવાહીને ભાજપ, પીડીપી અને અપની પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ વખોડી ખાડી છે. કેટલાક કાશ્મીરી પંડિત સંગઠનોએ પણ વિરોધ કર્યો છે. સંગઠનોએ વિસ્થાપિત સમુદાયના અસરગ્રસ્ત લોકોને માટે નવી દુકાનો બાંધવાની માંગ કરી હતી.
મહેબૂબા મુફ્તીએ શું કહ્યું?
X પર અસરગ્રસ્ત લોકોની વિડિયો ક્લિપ શેર કરતાં, J&Kના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને PDP વડા મહેબૂબા મુફ્તીએ ડિમોલિશન ડ્રાઇવ અંગે લખ્યું કે, “દશકાઓથી અકલ્પનીય મુશ્કેલીઓ સહન કરનારા સમુદાય માટે વધુ એક ફટકો.”
ઓમર અબ્દુલ્લા સરકારને હસ્તક્ષેપ કરવા વિનંતી કરતાં મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે, “આદિવાસી સમુદાયની મિલકતો પર ટાર્ગેટેડ ડિમોલીશન શરૂ થયું હતું તે હવે કાશ્મીરી પંડિતો સુધી પહોંચ્યું છે. તેમની સાથે ભેદભાવ અને નુકસાનની ભાવનાને વધુ ઘેરી બનાવી છે.”
મુફ્તીએ શેર કરેલા વિડિયોમાં, એક વૃદ્ધ માણસ રડતો જોવા મળે છે જ્યારે કહે છે: “અમે ક્યાં જઈશું? અમે બધું ગુમાવી દીધું. ”
એક દુકાન માલિક કહી રહ્યો છે કે, “મને લાગે છે કે મારું હૃદય બંધ થઈ જશે અને હું ભાંગી પડીશ, તેમણે અમારી સાથે શું કર્યું છે?”
JDAનો ખુલાસો:
જેડીએના અધિકારીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત લોકોને 20 જાન્યુઆરીએ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેઓએ જેડીએને લેખિત બાંયધરી આપી હતી કે તેઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં જમીન ખાલી કરી દેશે. જો કે, જેડીએ લોકસભાની ચૂંટણીઓ માટે અને પછી વિધાનસભાની ચૂંટણીઓ માટે આચારસંહિતા લાગુ થવાને કારણે સમયમર્યાદા સમાપ્ત થયા પછી કાર્યવાહી કરી શક્યું ન હતું.
Also Read – રશિયાની પરમાણુ યુદ્ધની ધમકી, નાટોના દેશોમાં ફફડાટ
દરમિયાન, રાહત કમિશનર અરવિંદ કારવાણીએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા વિસ્તારની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારોને ખાતરી આપી હતી કે આ વિસ્તારમાં તેમના માટે નવી દુકાનો બાંધવામાં આવશે.
ભાજપની પ્રતિક્રિયા:
બીજેપીના પ્રવક્તા જી એલ રૈના સ્થળની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારોને મળ્યા હતા, તેમણે ડિમોલિશનને “મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની NC-કોંગ્રેસ સરકારની વાપસી પછી બદલો લેવાની કાર્યવાહી” ગણાવી હતી.
તેમણે કહ્યું, “JDAએ આ પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા કરાવી જોઈતી હતી. સરકારે આ આડેધડ રીતે સમુદાયને નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ. ”