રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપની ચૂંટણી પંચમાં ફરિયાદ શક્તિ વિરુદ્ધની લડાઈના મુદ્દે માફી માંગે એવી માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શક્તિ વિરુદ્ધ લડાઈ છેડવાનું જે નિવેદન મુંબઈમાં કર્યું હતું તેના પર ભાજપએ બુધવારે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં ભાજપના જ્યેષ્ઠ નેતા હરદીપ સિંહ પુરીએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવ્યા બાદ જણાવ્યું હતું કે મેં રાહુલ ગાંધીનું આખું નિવેદન વાંચ્યું છે. તેમણે હિંદુઓની ભાવના દુભવી છે. આવી વાત કરવાનું અત્યંત શરમજનક છે.
ભાજપની ફરિયાદમાં શું કહેવાયું છે?
હરદીપ સિંહ પુરીએ ચૂંટણી પંચને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે રાહુલ ગાંધીએ હિંદુઓની લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો છે. ઈવીએમની વિરુદ્ધ પણ તેમણે નિવેદન આપ્યું છે. તેમનું આવું નિવેદન કેટલાક ધાર્મિક સમુદાયને ખુશ કરવા માટે કરવામાં આવ્યું હતું. આનાથી દેશનું શાંતીપુર્ણ વાતાવરણ ખરાબ થઈ શકે છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન નિમિત્તે મુંબઈના શિવાજી પાર્કમાં આયોજિત રેલીમાં કહ્યું હતું કે ‘હિંદુ ધર્મમાં શક્તિ શબ્દ હોય છે. અમે શક્તિ સાથે લડી રહ્યા છીએ. એક શક્તિ સાથે લડી રહ્યા છીએ. હવે સવાલ ઉપસ્થિત થાય છે કે તે શક્તિ શું છે? અહીં કહેવાય છે કે રાજાની આત્મા ઈવીએમમં છે. સાચું જ છે કે રાજાની આત્મા ઈવીએમમાં છે. હિન્દુસ્તાનની દરેક સંસ્થામાં છે. ઈડીમાં છે, સીબીઆઈમાં છે, આવકવેરા વિભાગમાં છે.
વડા પ્રધાને ટીકા કરી તો રાહુલ ગાંધીએ કર્યો ખુલાસો
રાહુલ ગાંધીના શક્તિ વાળા નિવેદન પર વડા પ્રધાન નિવેદન પર ટીકા કરતાં કહ્યું હતું કે દરેક મા-દીકરી શક્તિનું સ્વરૂપ છે અને તેમના સન્માન માટે તેઓ પોતાનો જીવ દાવ પર લગાવી દેશે. આવી ટીકા બાદ રાહુલ ગાંધીએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.
તેમણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી વાતો ગમતી નથી એટલે તેઓ તેમને ફેરવીને તોળવીને તેનો અર્થ બદલવાની કોશિશ કરતા હોય છે. કેમ કે તેઓ જાણે છે કે મેં સાચી વાત કરી છે. જે શક્તિનો મેં ઉલ્લેખ કર્યો છે અને જે શક્તિ સાથે અમે લડી રહ્યા છીએ તે શક્તિનું મહોરું મોદીજી પોતે જ છે.