Delimitation Row : સીમાંકન મુદ્દે સ્ટાલિને મોરચો માંડ્યો, સાત રાજ્યના મુખ્યમંત્રીને બેઠક માટે આમંત્રણ

નવી દિલ્હી : દક્ષિણના રાજ્યોમાં આગામી દિવસોમાં ભાષાકીય સમાનતાની માગનો મુદ્દો ઉગ્ર બનશે. જેમાં રાષ્ટ્રીય એજ્યુકેશન પોલિસી હેઠળ ત્રિભાષી ફોર્મ્યુલાનો વિરોધ કર્યા બાદ હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને સંસદીય વિસ્તારના સીમાંકનને (Delimitation Row)મુદ્દે મોરચો માંડ્યો છે. જેમાં હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને સાત રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને સીમાંકનના મુદ્દા પર બેઠક બોલાવી છે. સ્ટાલિને જે સાત મુખ્યમંત્રીઓને પત્રો લખ્યા છે તેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપ શાસિત ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીનો પણ સમાવેશ થાય છે. મહત્વની બાબત એ છે કે સ્ટાલિને સીમાંકનના મુદ્દા પર કેન્દ્રના વિરોધમાં ભાજપ શાસિત મુખ્યમંત્રીને ફોન કર્યો હતો.
ભાજપ શાસિત મુખ્યમંત્રીને ફોન કર્યો
મીડિયા અહેવાલ મુજબ , એમકે સ્ટાલિને આ તમામ મુખ્યમંત્રીઓને કેન્દ્રના પ્રસ્તાવિત સીમાંકનનો વિરોધ કરવા માટે રચાયેલી સંયુક્ત કાર્યવાહી સમિતિમાં જોડાવા અપીલ કરી છે. તેમણે 22 માર્ચે ચેન્નાઈમાં યોજાનારી બેઠક માટે કેરળના મુખ્યમંત્રી પી વિજયન, કર્ણાટકના સિદ્ધારમૈયા, તેલંગાણાના રેવંત રેડ્ડી, આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ અને પુડુચેરીના એન રંગાસ્વામી, મમતા બેનર્જી અને મોહન ચરણ માઝીને આમંત્રણ આપ્યું છે.
એમકે સ્ટાલિને આ રાજ્યોના રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓને પણ બેઠક માટે બોલાવ્યા છે. સીમાંકન એ ફેડરેલિઝમ (સંઘવાદ) પર મોટો હુમલો છે જે સંસદમાં આપણો યોગ્ય અવાજ છીનવીને વસ્તી નિયંત્રણ સુનિશ્ચિત કરતા રાજ્યોને દંડિત કરે છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું. અમે આ લોકશાહી અન્યાય થવા દઈશું નહીં! આવતા વર્ષે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. આ પહેલા પણ, એમકે સ્ટાલિન હિન્દી અને સીમાંકનના મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને ગુરુવારે કહ્યું કે ભાષાકીય સમાનતાની માંગ કરવી એ અરાજકતા નથી.
તમિલો માટે યોગ્ય સ્થાનની માંગણી કરવા બદલ રાષ્ટ્રવિરોધી ગણાવ્યા
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં સ્ટાલિને કહ્યું, જ્યારે તમને વિશેષાધિકારની આદત પડી જાય છે, ત્યારે સમાનતા જુલમ જેવી લાગે છે. મને યાદ છે જ્યારે કેટલાક કટ્ટરપંથીઓએ તમિલનાડુમાં તમિલો માટે યોગ્ય સ્થાનની માંગણી કરવા બદલ અમને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ગોડસેની વિચારધારાને પોષનારા લોકો ડીએમકે અને તેની સરકારની દેશભક્તિ પર સવાલ ઉઠાવવાની હિંમત ધરાવે છે. જેણે ચીની આક્રમણ, બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ અને કારગિલ યુદ્ધ દરમિયાન સૌથી વધુ રકમનું યોગદાન આપ્યું હતું.