પર્યાપ્ત પાણી છોડવામાં નહીં આવે તો દિલ્હીમાં જળ સંકટ સર્જાશેઃ આતિશીનો હરિયાણાના સીએમને પત્ર
નવી દિલ્હીઃ દિલ્હીના જળ પ્રધાન આતિશીએ રવિવારે હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીને પત્ર લખીને રાષ્ટ્રીય રાજધાની માટે મુનાક કેનાલમાંથી ૧,૦૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી અને કહ્યું કે અન્યથા ૧-૨ દિવસમાં દિલ્હીમાં મોટું સંકટ સર્જાશે.
પત્રવ્યવહારમાં આતિશીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં સાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ(ડબ્લ્યુટીપી) યમુનાના પુરવઠા પર નિર્ભર છે અને કાચા પાણીની અછતને કારણે અમારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમની મહત્તમ ક્ષમતા પર ચાલી શકતા નથી.
દિલ્હીને મુનાક ખાતેથી લગભગ ૧,૦૫૦ ક્યુસેક પાણી મળવાનું છે, પરંતુ સપ્લાયમાં ઘટાડો થયો છે, એમ તેણીએ જણાવ્યું હતું. મુનાક કેનાલનું પાણી ૮૪૦ ક્યુસેક ઘટવાને કારણે દિલ્હી સાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પૂરતું પાણી ઉત્પન્ન કરી શકશે નહીં.
વધુમાં કહ્યું કે જો હરિયાણા આજ સુધીમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડશે નહીં તો આગામી ૧-૨ દિવસમાં દિલ્હીમાં મોટું સંકટ આવશે. તેથી હું તમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે દિલ્હી માટે મુનાક કેનાલમાંથી ૧,૦૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવે તે સુનિશ્ચિત કરો.
અગાઉ આતિશીએ કહ્યું કે તેણીએ રાષ્ટ્રીય રાજધાની માટે પીવાના પાણીના પ્રાથમિક સ્ત્રોતોમાંના એક મુનાક કેનાલ દ્વારા હરિયાણા દ્વારા છોડવામાં આવતા અપૂરતા પાણીના જથ્થા અંગે તાકીદની બેઠક માટે ઉપરાજ્યપાલ વી કે સક્સેના પાસે સમય માંગ્યો છે.