દિલ્હીમાં આંધી સાથે ખાબક્યો વરસાદ; નિર્માણાધીન મકાનની દિવાલ તૂટી પડતા બેનાં મોત…

નવી દિલ્હી: દિલ્હીમાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં આવેલા પલટાથી બપોર બાદ રાજધાનીમાં ભારે આંધી સાથે વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન એક દુઃખદ ઘટના ઘટી હતી, જેમાં સેન્ટ્રલ દિલ્હીના નવી કરીમ વિસ્તારમાં રોડ પર એક નિર્માણાધીન મકાનની દિવાલ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં દિવાલના કાટમાળ નીચે દટાઈ જવાથી બે લોકોના મોત થયા હતા, જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા
કાટમાળ નીચેથી બે લોકોના મૃતદેહ મળ્યા
દિવાલ ધરાશાઈ થઈ હોવાનો માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને રાહત-બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ અહીં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન કાટમાળ નીચેથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે ચાર ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બેઝમેન્ટની દિવાલ અચાનક તૂટી પડી
મળી રહેલી વિગતો અનુસાર અહીં એક થ્રી સાઈડ હોટેલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અને તેના બેઝમેન્ટમાં કામ ચાલી રહ્યું હતું. આજે અચાનક આવેલી ભારે આંધી અને વરસાદના કારણે બેઝમેન્ટની દિવાલ અચાનક તૂટી પડી હતી, જેમાં છ લોકો દટાઈ ગયા હતા અને બે લોકોના કરુણ મોત થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તમામ લોકોને બચાવી લીધા છે અને ઘાયલોની સારવાર ચાલી રહી છે.
કેટલાક મેટ્રો સ્ટેશનની અંદર પાણી ભરાયા
તોફાન અને વરસાદને કારણે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો પણ પડી ગયા હતા. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે કેટલાક મેટ્રો સ્ટેશનની અંદર પાણી ભરાયા હતા, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે સાંજે કાશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશનની સફાઈ માટે સફાઇકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.