![- Weather forecast - Stormy rains - Weather alert](/wp-content/uploads/2023/11/101341667-780x470.webp)
નવી દિલ્હી: આજે સવારે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)ના વાતવરણમાં પલટો આવ્યો હતો, વિસ્તારમાં સવારે હળવો વરસાદ વરસ્યો હતો. આ સાથે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું દિલ્હીમાં આજે સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેશે અને દિવસભર તોફાની પવનો સાથે હળવા વરસાદી ઝાપટાં પડશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. ગઈ કાલે સવારે પણ દિલ્હીમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. જો કે, ત્યાર બાદ દિવસભર હવામાન સ્વચ્છ રહ્યું હતું અને તડકો ખીલ્યો હતો. IMD અનુસાર, દિલ્હીના મુખ્ય વેધર સ્ટેશન સફદરજંગ અને પાલમ ખાતે સવારે 8:30 વાગ્યે વિઝિબિલિટી અનુક્રમે 1500 મીટર અને 800 મીટર હતી. દરમિયાન ધુમ્મસની સ્થિતિને કારણે દિલ્હી તરફ દોડતી 17 ટ્રેનો મોડી પડી હતી.
દિલ્હી સિવાય IMD એ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. દરમિયાન, IMD એ હિમાચલ પ્રદેશમાં 4 અને 5 ફેબ્રુઆરીએ હિમવર્ષા સંભાવના સાથે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ હિમવર્ષા અને રાજ્યના મધ્ય અને ઉચ્ચ પહાડોમાં અલગ-અલગ સ્થળોએ ભારે હિમવર્ષા થવાની સંભાવના છે.