Delhi માં 5 ફેબ્રુઆરીએ મતદાન, ચૂંટણી પંચે એક્ઝિટ પોલ અંગે ગાઈડલાઇન્સ જાહેર કરી
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી(Delhi Election)માટે મતદાન 5 ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેની માટેના પ્રચાર પડધમ સોમવારે સાંજે શાંત થયા છે. આજે પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોના મોટા નેતાઓએ જનસંપર્ક કર્યો હતો. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ દિલ્હીના 1.56 કરોડ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે.
આ પણ વાંચો: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડધમ શાંત, અરવિંદ કેજરીવાલે કર્યો આટલી બેઠકોનો દાવો
એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂક્યો
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ એક આદેશ જાહેર કરીને 5 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચે તેના આદેશમાં જણાવ્યું હતું કે સમાચાર બ્યુરો, મીડિયા હાઉસ, રેડિયો અને ટેલિવિઝન ચેનલો વગેરે પર એક્ઝિટ પોલ, ઓપિનિયન પોલ અથવા અન્ય કોઈપણ ચૂંટણી સર્વેના પરિણામો પ્રિન્ટ અથવા ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રદર્શિત કરવા અથવા અન્ય કોઈપણ રીતે પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
1.56 કરોડ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે.
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં મતદાન માટે 13,766 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 83.76 લાખ પુરુષ, 72.36 લાખ મહિલા અને 1267 અન્ય મતદારો છે. જ્યારે 733 મતદાન મથકો દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવ્યા છે.
6980 લોકોએ ઘરેથી મતદાન કર્યું
દિલ્હીમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા હેઠળ 7553 મતદારોમાંથી, 6980 લોકોએ મતદાન કરી દીધું છે. ઘરેથી મતદાન કરવાની સુવિધા 24 જાન્યુઆરીથી શરૂ થઈ હતી અને 4 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.
આચારસંહિતા ભંગના 1000થી વધુ કેસ
દિલ્હીમાં 7 જાન્યુઆરીએ આચારસંહિતા અમલમાં આવ્યા પછી આચારસંહિતાના કથિત ઉલ્લંઘનના 1000 થી વધુ કેસ નોંધાયા હતા. 33,434 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.ચૂંટણી પંચે દિલ્હીમાં અર્ધલશ્કરી દળોની 220 કંપનીઓ તૈનાત કરી છે. 19 હજાર હોમગાર્ડ અને 35,626 દિલ્હી પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.