નેશનલ

Supreme Court એ કહ્યું કોચિંગ સેન્ટર ડેથ ચેમ્બર બન્યા, કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે (Supreme Court)સોમવારે દિલ્હી કોચિંગ સેન્ટરની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને નોટિસ પાઠવી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, કોચિંગ સેન્ટરો દેશના વિવિધ ભાગોમાંથી આવતા વિદ્યાર્થીઓના જીવન સાથે રમત રમી રહ્યા છે. કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે હાઈકોર્ટના આદેશ સામે કોચિંગ સેન્ટર ફેડરેશન સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું હતું.

રાજેન્દ્ર નગરમાં બનેલી ઘટના આંખ ખોલનારી

ફેડરેશનની અરજી પર સખત નારાજગી વ્યક્ત કરતા કોર્ટે તેમના પર 1 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો અને આકરી ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોચિંગ સેન્ટરો ડેથ ચેમ્બર બની ગયા છે. જો સુરક્ષાના માપદંડોને પૂર્ણ ન કરી શકાય તો તેઓ તેને ફક્ત ઓનલાઈન ચલાવવું વધુ સારું રહેશે. દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં બનેલી ઘટના આંખ ખોલનારી છે. જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે ત્યાં ભણવા ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ ડૂબી ગયા.

વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવા પડે તે કમનસીબ ઘટના

જસ્ટિસ સૂર્યકાન્તની આગેવાની હેઠળની બેંચે કહ્યું, અમને ખબર નથી કે દિલ્હી સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી કયા અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. કેરિયરમાં આગળ વધવા માટે કોચિંગ સેન્ટરોમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવા પડે તે કમનસીબ ઘટના બની છે. આ ઘટના દરેક માટે આંખ ખોલનારી છે.

કયા સલામતી ધોરણો નક્કી કરવામાં આવ્યા

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે આ બાબતને જાતે ધ્યાનમાં લીધી છે. જેથી કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને એક નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં પૂછવામાં આવ્યું છે કે કયા સલામતી ધોરણો નક્કી કરવામાં આવ્યા છે અને હવે કેવા બનાવવામાં આવશે. તેમજ તેને લાગુ કરવા માટે કેવા પ્રકારની અસરકારક પદ્ધતિ રજૂ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button