દિલ્હી રેલવે સ્ટેશનની ઘટના બાદ સરકાર જાગી! દિલ્હી-સુરત સહિત 60 રેલ્વે સ્ટેશનો પર થશે મોટો ફેરફાર

નવી દિલ્હી: શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટના બાદ હવે રેલ્વે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે દેશભરના 60 વ્યસ્ત રેલ્વે સ્ટેશનો પર કાયમી હોલ્ડિંગ ઝોન બનાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ભીડ નિયંત્રણ અને કટોકટી વ્યવસ્થાપન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
60 સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે દેશના 60 સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. આ હોલ્ડિંગ એરિયા મુસાફરોને તેમની ટ્રેનના આગમન સુધી રાહ જોવા માટે સલામત અને વ્યવસ્થિત સ્થળ પૂરું પાડશે. આ વ્યવસ્થા અંતર્ગત મુસાફરોને પહેલા હોલ્ડિંગ એરિયામાં બેસાડવામાં આવશે અને જ્યારે તેમની ટ્રેન આવશે ત્યારે જ તેમને પ્લેટફોર્મ પર જવાની મંજૂરી આપવામાં આવશે. આ વ્યવસ્થા પ્લેટફોર્મ પર ભીડ ઘટાડવામાં અને અકસ્માતો અટકાવવામાં મદદ કરશે.
સુરત, બેંગલુરુ સહિત 60 સ્ટેશનોની ઓળખ
રેલવે પ્રધાને જણાવ્યું હતું કે રેલવેએ આવા 60 સ્ટેશનોની ઓળખ કરી છે, જ્યાં સામાન્ય રીતે મુસાફરોની ખૂબ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. તેમણે કહ્યું કે ભીડ નિયંત્રણ માટે આ સ્ટેશનો પર કાયમી અથવા કામચલાઉ ‘સ્ટોપિંગ’ ઝોન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે ‘સ્ટોપ’ ઝોન બનાવવા માટે નવી દિલ્હી, પટના, સુરત, બેંગલુરુ, કોઈમ્બતુર સહિત 60 સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે.
એક જાગૃતિ અભિયાન
રેલ્વે પ્રધાને અશ્વિની વૈષ્ણવે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે રેલ્વે ટૂંક સમયમાં એક જાગૃતિ અભિયાન શરૂ કરશે જેમાં મુસાફરોને રેલ્વે સ્ટેશનની સીડીઓ પર ન બેસવા માટે કહેવામાં આવશે. આ ઝુંબેશ એટલા માટે શરૂ કરવામાં આવી રહી છે કારણ કે ઘણીવાર મુસાફરો સીડી પર બેસે છે, જેના કારણે પ્લેટફોર્મ પર આવતા-જતા લોકોને મુશ્કેલી પડે છે. સીડીઓ પર ભીડ ઓછી કરીને, નાસભાગ જેવી ઘટનાઓ ટાળી શકાય છે.
6 મહિના માટે એક ખાસ ઝુંબેશ
રેલ્વે મંત્રાલય 6 મહિના માટે એક ખાસ ઝુંબેશ ચલાવશે, જેમાં મુસાફરો, પ્લેટફોર્મ સ્ટાફ, સ્ટોલ વિક્રેતાઓ અને અન્ય લોકો પાસેથી મંતવ્યો અને સૂચનો લેવામાં આવશે. આ ઝુંબેશ દરમિયાન, રેલવે મુસાફરો અને અન્ય હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ મેળવશે અને તેના આધારે મોટા ફેરફારો કરવામાં આવશે.