દિલ્હીમાં થશે નોઇડાના ટ્વીન ટાવરથીય મોટો ધમાકો, જાણો કેમ
નવી દિલ્હીઃ ગયા વર્ષે નોઈડામાં ટ્વીન ટાવરનો કંટ્રોલ બ્લાસ્ટ તમને યાદ જ હશે. તમે જાણો જ છો કે કેવી રીતે 32 માળના ટાવરને ગનપાઉડરનો વિસ્ફોટ કરીને સેકન્ડોમાં જ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો હતો. હવે આવું જ દ્રશ્ય ફરી એકવાર જોવા મળવાનું છે. નોઈડા બાદ હવે દિલ્હીમાં અસુરક્ષિત જાહેર કરાયેલા 12 ટાવરને કંટ્રોલ બ્લાસ્ટ કરીને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. આ ટાવર દિલ્હીના મુખરજી નગરમાં આવેલા છે.
દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA)ના અધિકારીઓ મુખરજી નગરમાં સિગ્નેચર વ્યૂ ટાવર્સને તોડી પાડવા માટે ટ્વીન ટાવરની ફોર્મ્યુલા અપનાવવા જઈ રહ્યા છે. DDA અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે મુખરજી નગરમાં જર્જરિત થઇ રહેલા સિગ્નેચર વ્યૂ ટાવર્સને સુરક્ષિત રીતે તોડી પાડવા માટે નિયંત્રિત વિસ્ફોટ એકમાત્ર રસ્તો હોઈ શકે છે.
અધિકારીઓએ જોકે જણાવ્યું હતું કે નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. જાણકારોનું કહેવું છે કે સ્થળ પર નિરીક્ષણ અને વિગતવાર સર્વે કર્યા બાદ નક્કી કરવામાં આવશે કે કઈ ટેકનિકથી ટાવર તોડી નાખવા જોઈએ. આ નિર્ણય સુરક્ષા, સમય અને ખર્ચને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.
ડીડીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી તો કંટ્રોલ બ્લાસ્ટ ટેક્નિક જ શ્રેષ્ઠ વિકલ્પ જણાય છે. ગયા વર્ષે નોઈડામાં ટ્વીન ટાવરને તોડી પાડવા માટે તેનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
2010માં સિગ્નેચર વ્યૂ એપાર્ટમેન્ટ બનાવનાર DDAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે આ અંગે વિગતવાર ચર્ચાઓ કરી છે અને એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે સમયસર અને કાર્યક્ષમ રીતે એપાર્ટમેન્ટને તોડી પાડવાનો એકમાત્ર રસ્તો કંટ્રોલ બ્લાસ્ટ છે.”
જોકે, આ ટાવરોને તોડી પાડતા પહેલા ટાવરમાં રહેતા લોકોને પયમ બીજે શિફ્ટ કરવા પડશે. ટાવરમાં રહેતા લોકોએ તેમના ફ્લેટ ખાલી કરવા પડશે. આ ટાવરને તોડી પાડ્યા પછી ત્રણ વર્ષમાં ડીડીએ તેનું પુનઃનિર્માણ કરશે. ત્યાં સુધી ફ્લેટ માલિકોએ ભાડાના મકાનમાં રહેવું પડશે. ડીડીએ દ્વારા તેમને ભાડાની રકમ ચૂકવવામાં આવશે.
ડીડીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે સૌથી મોટો પડકાર શક્ય તેટલી વહેલી તકે ટાવર ખાલી કરવાનો છે. આ ટાવર બે મહિનામાં ખાલી કરવામાં આવશે. સિગ્નેચર વ્યૂ એપાર્ટમેન્ટ્સમાં કુલ 12 ટાવર છે. તેમાં 336 ફ્લેટ છે. માત્ર 13 વર્ષ પહેલા બનેલા આ ટાવર રહેવા માટે જોખમી બની ગયા છે.
કેટલીક દિવાલોમાં તિરાડો છે તો કેટલાક ફ્લેટની છત તૂટી રહી છે. નવેમ્બર 2022 માં, IIT દિલ્હીના નિષ્ણાતોએ તેની તપાસ કરી હતી અને અહેવાલ આપ્યો હતો કે ટાવર વસવાટ માટે યોગ્ય નથી. દિલ્હીના એલજી વીકે સક્સેનાએ આ વર્ષે જાન્યુઆરીમાં ડીડીએને ટાવર ખાલી કરાવવા અને તેનું પુનઃનિર્માણ કરવાનો આદેશ આપ્યો હતો.