નેશનલ

દિલ્હી બ્લાસ્ટમાં કાનપુર કનેક્શન: નેપાળના સેકન્ડ-હેન્ડ ફોન અને સિમ કાર્ડથી રચાયું ષડયંત્ર

નવી દિલ્હી: દિલ્હીમાં લાલ કિલ્લાની સામે થયેલા ભયાનક વિસ્ફોટની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસમાં હવે આ બ્લાસ્ટનું કાનપુર કનેક્શન સામે આવ્યું છે. NIAના સૂત્રો અનુસાર ડો. શાહીનના ભાઈ ડો. પરવેઝ, હૃદય રોગ નિષ્ણાત ડો. આરિફ અને ડો. ફારૂક અહમદ ડાર વિસ્ફોટના એક કલાક પહેલા સુધી વિસ્ફોટ કરનાર ડો. ઉમરના સતત સંપર્કમાં હતા.

વધુમાં, ડો. શાહીન અને ડો. મુઝમ્મિલ પણ 8 નવેમ્બરની સવાર સુધી સીધા ડો. ઉમરના સંપર્કમાં હતા. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આ બ્લાસ્ટનું આયોજન 2 ઓક્ટોબરે શરૂ થયું હતું અને 28 ઓક્ટોબરે તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ કેસ: NIAએ પૂછપરછ બાદ 3 ડોક્ટર સહિત 4 ને છોડી મુક્યા, જાણો કારણ

આ ઓપરેશનને અંજામ આપવા માટે ટેકનિકલ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું. વિસ્ફોટ માટે નેપાળથી ખરીદવામાં આવેલા સાત સેકન્ડ-હેન્ડ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુલ 17 સિમકાર્ડનો ઉપયોગ થયો હતો, જેમાંથી 6 સિમ કાર્ડ કાનપુરથી ખરીદવામાં આવ્યા હતા. આમાંથી બે સિમ કાર્ડ બેકનગંજ વિસ્તારની ID પરથી મેળવવામાં આવ્યા હતા, જેના આધારે સુરક્ષા એજન્સી વધુ કાર્યવાહી કરી રહી છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ જ કનેક્શનના આધારે બેકનગંજમાં કપડાની દુકાન ચલાવતા અને ડો. પરવેઝના સાળા ઉસ્માનની છ કલાક સુધી આકરી પૂછપરછ કરી હતી. જોકે હાલમાં કોઈ નક્કર માહિતી મળી નથી.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ બાદ કોડિનારના દરિયાકિનારે મેગા કોમ્બિંગ, દરગાહમાંથી હથિયારો મળતાં ચકચાર

NIAએ આજે લાલ કિલ્લા બ્લાસ્ટ કેસના એક આરોપી આમિર રાશિદ અલીને દિલ્હીની કોર્ટમાં રજૂ કર્યો હતો. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ રજૂઆત બાદ આમિરને 10 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલી i20 કાર આમિર રાશિદ અલીના નામે જ રજિસ્ટર્ડ હતી. આમિર ભલે વ્યવસાયે પ્લમ્બર હોય, પરંતુ તેના પર બ્લાસ્ટના કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે 10 નવેમ્બરના લાલ કિલ્લા નજીક કરેલા વિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા. કાર ચલાવનાર ડોક્ટર આતંકી ઉમર નબી જમ્મુ-કાશ્મીરના પુલવામાનો રહેવાસી હતો અને આતંકી મોડ્યુલ સાથે જોડાયેલો હતો, જેનો પર્દાફાશ હરિયાણાના ફરિદાબાદમાંથી 2900 કિલોગ્રામ વિસ્ફોટકોની જપ્ત કર્યા બાદ થયો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button