નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી(Delhi)અને તેની આસપાસના વિસ્તારોમાં ગુરુવાર રાતથી ભારે વરસાદ(Rain)પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ (Water logging)ગયા છે અને વાહનવ્યવહારને નોંધપાત્ર અસર થઈ છે. અનેક જગ્યાએ વાહનો ફસાયા છે અને રસ્તો બ્લોક થઈ ગયો છે. એક ટ્રક અંડરબ્રિજની નીચે ડૂબી ગઈ છે અને બીજી જગ્યાએ એક કાર વરસાદના પાણીમાં સંપૂર્ણ રીતે ડૂબી ગઈ છે. દિલ્હી એરપોર્ટ પર પણ વરસાદના કારણે ટર્મિનલ 1 ની છત તૂટી પડી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને આઠ લોકો ઘાયલ થયા છે.
એક વ્યક્તિનું મૃત્યુ આઠ લોકો ઘાયલ
દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ-1માં છતનો એક ભાગ તૂટી પડ્યો છે. છતને ટેકો આપતા વિશાળ ગર્ડર નીચે પડી ગયા છે. અનેક વાહનો આ ગાર્ડની ચપેટમાં આવી ગયા હતા. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે આઠ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. એવું માનવામાં આવે છે કે ભારે વરસાદને કારણે ટર્મિનલની છતનો એક ભાગ તૂટી પડ્યો છે.
પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ
વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાને કારણે દિલ્હીના ITOમાં ટ્રાફિક જામ છે. મિન્ટો રોડ પર બ્રિજ નીચે કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. અહીં, ટ્રક બીજા પુલની નીચે ફસાઈ ગઈ છે અને લગભગ ડૂબી ગઈ છે. ગોવિંદપુરી, ઓખલા, મોતીબાગ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ છે.
દિલ્હી જળ સંકટનો સામનો કરી રહ્યું હતું
દિલ્હીમાં એક દિવસ પહેલા સુધી પાણીની તંગી હતી. આને લઈને ભારે રાજનીતિ થઈ હતી. ટેન્કર દ્વારા લોકોને પાણી પહોંચાડવામાં આવતું હતું અને હવે તે જ સ્થળોએ પાણી ભરાઈ જવાની સ્થિતિ છે. જો કે હજુ પણ લોકોને પૂરતા પ્રમાણમાં શુધ્ધ પાણી મળવું મુશ્કેલ છે. કારણ કે, જે ડેમમાંથી પાણી દિલ્હી આવે છે. ત્યાં હજુ પણ પૂરતું પાણી નથી.