બેફામ ટિકિટનું વિતરણ અને રેલવેના અધિકારીનું અનાઉન્સમેન્ટ, 18ના મોતનું કારણ બન્યું

નવી દિલ્હીઃ રેલવે સ્ટેશન પર જ્યારે ભીડ વધી જાય ત્યારે વ્યવસ્થા રાખવાનું અઘરું બની જતું હોય છે. આ સમયે રેલવેના અધિકારીઓએ વધારે સર્તકતા રાખવાની જરૂર હોય છે, પરંતુ તેમ ન થતાં દિલ્હી જેવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે.
દિલ્હીમાં ગઈકાલે રાત્રે રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ હતી અને તેમાં 18 જણે પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રયાગરાજના કુંભમેળામાં જવા માટે નીકળેલા આ હતભાગીઓને રસ્તામાં મોત મળી ગયું અને ઘણાએ ઘાયલ થયા.
શું બન્યું હતું કાલે, રેલવે પ્રધાને શું કહ્યું.
દિલ્હી રેલવે સ્ટેશન પરથી પ્રયાગરાજ જવા માટે બે ખાસ ટ્રેન દોડાવવામાં આવી હોવાથી પ્રવાસીઓ પ્લેટફોર્મ નંબર 14 પર જમા થયા હતા. જ્યારે પ્લેટફોર્મ નંબર 13 પર આવનારી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ લેટ હતી અને તેના યાત્રીઓ પણ ત્યાં જ હતા. દરમિયાન જનરલ કોચ માટે રેલવે કર્મચારીઓએ લગભગ 1500 ટિકિટ આપી દીધી હતી અને હજુ આપી રહ્યા હતા, જેથી ભીડ ખૂબ વધી રહી હતી અને રેલવે સ્ટેશન પર પગ મૂકવાની જગ્યા ન હતી.
વધારે ભીડ જોઈને રેલવે અધિકારીએ પ્રયાગરાજ જવા એક વધારે ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું અને તેને પ્લેટફોર્મ નંબર 16 પર મૂકી અને અનાઉન્સમેન્ટ કર્યું. આ અનાઉન્સમેન્ટ સાંભળી પ્લેટફોર્મ નંબર 14ના પ્રવાસીઓ 16 તરફ દોડ્યા અને તેમાં ભાગદોડ મચી ગઈ અને 18 જણના મોત થયા. સખત ગુંગળામણ અને માર લાગતા ઘણા બેભાન થયા.
આ પણ વાંચો…મહાકુંભમાં વીઆઇપીઓનો પણ રેકોર્ડ બ્રેકઃ અધિકારીઓ વ્યવસ્થાના ભારથી લદાયા…
રેલવે પ્રધાનનું રાત્રે ટ્વીટ
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાત્રે 11.30 વાગ્યે ટ્વીટ કરી સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું હતું, પરંતુ જો પહેલેથી સ્થિતિ નિયંત્રણમાં લીધી હોત તો આ ઘટના બની ન હોત.