આવી ભીડ દિલ્હી રેલવે સ્ટેશન પર મેં ક્યારેય નથી જોઈઃ અધિકારીઓ પણ હેરાન

નવી દિલ્હીઃ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગની ઘટનાએ સમગ્ર દેશને શોકમાં ડૂબાડી દીધો છે. 18 જણના મોત અને અનેક ઘાયલ થયા છે. ત્યારે આ ઘટના બાદ રેલવે સ્ટેશન પર પહોંચનારા ફાયર બ્રિગેડના અધિકારીઓએ જે ભયાનક દૃશ્યો જોયા તે અંગે તેમણે મીડિયા સાથે વાત કરી હતી.
દિલ્હી રેલવે સ્ટેશનના ઘણા દરવાજા છે. રાત્રે દસેક વાગ્યા આસપાસ બનેલી ઘટનાબાદ ફાયર બ્રિગેડના અધિકારીઓ માટે રેલવે સ્ટેશનમાં જવું કઈ રીતે તે જ સૌથી મોટો સવાલ હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે હું સેંકડો વાર આ રેલવે સ્ટેશન પર ગયો છું પણ આવી ભીડ મેં ક્યારેય જોઈ નથી. પ્લેટફોર્મ 13,14,15 અને 16 પર જે ભીડ હતી તે ડરાવી દે તેવી હતી. જ્યાં સીડી પર નાસભાગ થઈ અને ચારેકોર લોકોના ચપ્પલ, લોહી, સામાન હતા. માણસો ચીસાચીસ કરી રહ્યા હતા. પોતાનાથી છુટા પડેલા લોકોને શોધી રહ્યા હતા.
ત્યાં હાજર રેલવે અધિકારી અને કુલીઓએ મૃતદેહો ખસેડવાની શરૂઆત કરી અને ઘાયલોને હૉસ્પિટલે પહોંચાડ્યા. સૌથી મોટી પરેશાની એ પણ હતી કે તમામ દરવાજાઓ પાસે પણ ભારે ભીડ અને વાહનો હતા જેથી ઈમરજન્સી વાહનો, એમ્બ્યુલન્સ વગેરે અંદર લાવવા પણ અઘરા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈપણ પ્લેટફોર્મ પર ટ્રેન પણ ન હતી કે અમુક પ્રવાસીઓ ત્યાંથી ઓછા થાય. ભીડ પર કોઈ નિયંત્રણ તે સમયે શક્ય ન હતું અને કોઈ કોઈનું સાંભળતું ન હતું.
આ પણ વાંચો…Delhi Stampede : કોંગ્રેસ સહિત વિપક્ષોએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું, કરી આ માંગ…
પ્રયાગરાજ જનારી બે વિશેષ ગાડીમાં ખાસ કરીને યુપી-બિહારથી લોકો આવ્યા હતા અને ટ્રેન આવે તે પહેલા જ નાસભાગ મચી હતી.
હવે દિલ્હી રેલ્વે સ્ટેશન પર અમુક ગાડીનું આવન-જાવન રદ કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી છે. રેલવેએ દિલ્હીથી ઉપડનારી છ ટ્રેન રદ કરી છે અને એકનો સમય બદલ્યો છે.