દિલ્હી પ્રદૂષણ: ડોક્ટરોની સલાહ સોનિયા ગાંધી જયપુર શિફ્ટ થયા

જયપુર: દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણને કારણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને નુકશાન પહોંચી રહ્યું છે. જેના કારણે તેઓ થોડા દિવસો માટે જયપુર શિફ્ટ થઇ ગયા છે. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ હાનીકારક સ્તરે પહોંચ્યું છે. સોનિયા ગાંધીને પહેલાથી જ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેથી ડૉક્ટરોએ તેમને થોડા દિવસો માટે એવી જગ્યાએ જવા કહ્યું છે જ્યાં હવાની ગુણવત્તા સારી હોય.
આજે સવારે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીએ દિલ્હીના શાંતિવન મેમોરિયલ ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન પણ સોનિયા ગાંધીએ પ્રદૂષણને કારણે માસ્ક પહેર્યું હતું.
અહેવાલો મુજબ સોનિયા ગાંધી આગામી થોડા દિવસો જયપુરમાં રહેશે, કારણ કે ત્યાં હવાની ગુણવત્તા સારી છે. રાહુલ ગાંધી પણ માતાને મળવા જઈ શકે છે. આ પહેલા પણ સોનિયા ગાંધીને પ્રદૂષણને કારણે દિલ્હીથી દૂર જવું પડ્યું હતું.