દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે સરકાર લાગૂ કરશે આ પ્લાન…

નવી દિલ્હી: રાજધાનીમાં શિયાળાની શરૂઆત સાથે જ પ્રદૂષણનું સ્તર દર વર્ષે વધી જાય છે. આ વર્ષે પણ આ જ સ્થિતિ છે, ત્યારે પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકારે સ્થિતિમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો જે બે તબક્કામાં છે. જેને વાયુ પ્રદૂષણ પ્રમાણે લાગૂ કરવામાં આવે છે. જેમાં હાલની સ્થિતિ પ્રમાણે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો બીજો તબક્કો લાગુ કરવામાં આવશે.
આ કાર્યવાહી કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ના ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ કરવામાં આવશે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)એ દિલ્હીમાં હવાની ગુણવત્તા બગડવાની આગાહી કરી છે. CPCB અનુસાર દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ સ્તરે પહોંચી શકે છે. આવી સ્થિતિમાં GRAP-2નો તબક્કો દશેરા પહેલા લાગુ થઈ શકે છે.
નોંધનીય છે કે જો હવાની ગુણવત્તા 301 થી 400 ની વચ્ચે હોય, તો GRAPનો બીજો તબક્કો લાગુ કરવામાં આવે છે. જેના કારણે કેટલાક બદલાવ કરવામાં આવશે, જેમકે ડીઝલ જનરેટરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. ખાનગી વાહનોને ઘટાડવા પાર્કિંગ ફીમાં વધારો, CNG/ઈલેક્ટ્રિક બસો, મેટ્રો સેવામાં વધારો, એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી ગાર્ડ્સને ઇલેક્ટ્રિક હીટર આપવામાં આવશે. શ્વસન અને હૃદયની બીમારી ધરાવતા લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
અગાઉ દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને GRAP-1 પ્લાન લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં ડીઝલ જનરેટરને માત્ર ઈમરજન્સીની સ્થિતિમાં જ ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર એન્ટી સ્મોગ ગન લગાવવી ફરજિયાત કરવામાં આવી છે. આ વખતે પણ રાજધાનીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.