દિલ્હી પોલીસે ડીપફેક વીડિયો કેસમાં 19 વર્ષના યુવકની પૂછપરછ કરી….
નવી દિલ્હી: ડીપફેક વીડિયો કેસમાં દિલ્હી પોલીસે બિહારના 19 વર્ષીય યુવકની પૂછપરછ કરી છે. પોલીસ અધિકારીએ જણઆ્યું હતું કે એવી શંકા છે કે યુવકે પહેલા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કર્યો અને પછી તેને અન્ય પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે યુવકને તપાસ માટે નોટિસ મોકલવામાં આવી હતી કારણ કે તેના અકાઉન્ટમાંથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પહેલીવાર વીડિયો શેર કરવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલનું ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ યુનિટે દસ નવેમ્બરે નોંધાયેલી એફઆઇઆર પ્રમાણે ઇન્ડિયન પીનલ કોડની કલમ 465 (બનાવટી માટે સજા) અને 469 (બદનામ કરવાના ઇરાદાથી બનાવટ કરવી) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66C અને 66E હેઠળ કેસ નોંધ્યો હતો. જો કે હાલમાં આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
અધિકારીએ કહ્યું હતું કે યુવકે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેણે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાંથી વીડિયો ડાઉનલોડ કર્યો હતો. અને પછી તેણે આ વીડિયો શેર કર્યો હતો. બિહારના રહેવાસી આ યુવક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે તેને CBI સમક્ષ હાજર થવા અને તેનો મોબાઈલ ફોન લાવવા માટે કહેવામાં આવ્યું હતું. એફઆઈઆર દાખલ કર્યા બાદ તરત જ પોલીસે મેટાને પત્ર લખીને આરોપીની ઓળખ કરવા માટે URL અને અન્ય વિગતો મેળવી હતી.