દિલ્હી પોલીસે 100 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો, આરોપીઓ નકલી પોલીસ બની લોકોને છેતરતા…

નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલા ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડના કેસો વચ્ચે દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે ડિજિટલ એરેસ્ટના કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. આ આરોપીઓ લોકોને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને ફ્રોડ કરતા હતા. આ તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે આ આરોપીઓના ખાતાઓના સંબંધમાં 190 થી વધુ NCRP ફરિયાદો અને FIR નોંધવામાં આવી છે. જેમાં રૂપિયા 100 કરોડથી વધુની છેતરપિંડીવાળી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
સાયબર ક્રાઇમના આઇપીએસ અધિકારીના નામે ફોન આવ્યો
આ સમગ્ર કેસની વિગત મુજબ એક પીડિતા ગૃહિણીને 15 ઓકટોબર 2025 અને 12 ડિસેમ્બર 2025 વચ્ચે તેને મુંબઈ સાયબર ક્રાઇમના આઇપીએસ અધિકારીના નામે ફોન આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને ગુનો આચરવામાં આવ્યો છે. આ પીડિતાનો પુત્ર એન્જિનિયર છે.
કોઈની સાથે વાત ન કરવાની સૂચના આપવામાં આવી
જોકે, તેની બાદ આરોપી એક મહિલા આઈપીએસ અધિકારી તરીકે ઓળખ આપી વીડિયો કોલ દ્વારા પીડિતાને નકલી એફઆઈઆર અને ધરપકડ વોરંટ બતાવ્યું હતું. જેની બાદ આરોપીએ પીડિતાને ધમકી આપી હતી કે તેના પતિ અને પુત્રને પણ જેલમાં મોકલી દેવામાં આવશે. તેને સતત ફોન કરવામાં આવતા અને કોઈની સાથે વાત ન કરવાની સૂચના આપવામાં આવી હતી.

રૂપિયા 40 લાખ ખાતામાં ટ્રાન્સફર કરી દીધા
આ સમયગાળા દરમિયાન, પીડિતા માનસિક રીતે એટલી ડરી ગઈ હતી કે તેણે જીવનભરની બચત રૂપિયા 40 લાખ આરોપી દ્વારા પૂરા પાડવામાં આવેલા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. તેમજ આ નાણાં મળ્યા બાદ આરોપીઓએ પીડિતાને ખોટી ખાતરી આપી હતી કે ચકાસણી પછી પૈસા પરત કરવામાં આવશે અને તેના પર ડિજિટલ એરેસ્ટ ચાલુ રાખ્યું હતું.
નકલી બેંક ખાતાઓ અને UPI ID નું નેટવર્ક
તેની બાદ ફરિયાદના આધારે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે તેની તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ તપાસ દરમિયાન પોલીસે અનેક નકલી બેંક ખાતાઓ અને UPI ID નું નેટવર્ક શોધી કાઢ્યું. તપાસમાં જાણવા મળ્યું કે પૈસા મેસર્સ વૃંદાકાર્ટ સ્કાયલાઇન શોપર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેના ડિરેક્ટર અનિશ સિંહ અને મણિ સિંહ છે.
છેતરપિંડીભર્યા વ્યવહારો રૂપિયા 100 કરોડથી વધુના
તેમજ કંપનીના નામે ખોલવામાં આવેલા આઠ અલગ-અલગ બેંક ખાતાઓ દ્વારા પૈસા ફેરવવામાં આવતા હતા. NCRP પોર્ટલ અનુસાર, આ ખાતા સાથે સંકળાયેલા છેતરપિંડીભર્યા વ્યવહારો રૂપિયા 100 કરોડથી વધુના છે. આ ઉપરાંત આ બંને આરોપીઓની અગાઉ ફરીદાબાદ પોલીસે સમાન કેસમાં ધરપકડ કરી છે. આ આરોપીઓ નકલી સિમ કાર્ડ અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરતા હતા.



